ઘરનું ઘર લેવાનું સપનું જોતાં લોકો માટે સારા સમાચાર : સબસિડીમાં 50 હજારનો વધારો, જાણો હવે કેટલી સહાય મળશે
બજેટમાં પોતાનું ઘર લેવાનું સપનું જોતાં લોકો માટે સારા સમાચાર છે. રાજ્યના નાણામંત્રીએ સરકારી આવાસને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને રાજ્યના ગરીબો માટે 3 લાખ આવાસ બનાવવાની જાહેરાત કરી છે.
નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે 3 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની 1 લાખ 20 હજાર રૂપિયાની સહાયમાં મકાનદીઠ 50 હજાર રૂપિયાના માતબર વધારા સાથે 1 લાખ 70 હજાર રૂપિયા કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયા
શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ 290 કેન્દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે. શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી “મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.