ઉદ્યોગકારોને હાશકારો: ઇન્કમટેક્સની જેમ GST પણ 7 દિવસમાં રિફંડ આપશે,3 દિવસમાં પોર્ટલ પર કરાવી શકશે રજિસ્ટ્રેશન
હવે ઇન્કમટેક્સની જેમ GSTમાં પણ ટૂંકાગાળામાં રિફંડ મળી જશે આ જોગવાઈ ના લીધે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો માટે મોટી રાહત થઈ છે. રાજકોટ સહિત રાજયભરનાં ઉદ્યોગકારો તેમજ એસોસિએશનઓ દ્વારા રિફંડ મુદ્દે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી.અત્યાર સુધી દર મહિને GST રિટર્ન ફાઇલ થાય છે જેની સામે બે મહીને રિફંડ મળે છે જ્યારે નવી સુવિધા મુજબ ઇન્કમટેક્સની જેમ સાત દિવસમાં રિફંડ મળી જશે જેના કારણે વેપારીઓ- ઉદ્યોગકારોને ફાયદો થશે.
GST કાઉન્સિલના નિર્ણય મુજબ, ઉદ્યોગપતિઓને હવે આવકવેરા રિફંડની જેમ 7 દિવસની અંદર GST રિફંડ મળશે, ઉદ્યોગપતિઓ હવે GST પોર્ટલ પર 3 દિવસમાં નોંધણી કરાવી શકે છે. વિભાગ ટૂંક સમયમાં એક સૂચના જારી કરશે. 22 સપ્ટેમ્બરથી નવા GST દરો અમલમાં આવશે, ત્યારે ચુકવણીના સમય અને બિલ જનરેટિંગના આધારે GST દર લાગુ થશે.
હવે ઉદ્યોગપતિઓને આવકવેરા રિફંડની જેમ ખૂબ જ ઓછા સમયમાં GST રિફંડ મળશે.GST ડિપાર્ટમેન્ટનાં જણાવ્યાં મુજબ જે કિસ્સાઓમાં રિફંડ અંગે છેતરપિંડી અને શંકાનો કોઈ અવકાશ નથી, ત્યાં સાત દિવસની અંદર GST રિફંડ આપવામાં આવશે. આનાથી ઉદ્યોગપતિઓને કાર્યકારી મૂડીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે. નવા ઉદ્યોગપતિઓ માટે GST નંબર મેળવવા માટે નોંધણી પણ ખૂબ જ સરળ બનાવવામાં આવી છે.
રાજકોટનાં તજજ્ઞ સી.એ. રાજીવ દોશીએ જણાવ્યું હતું કે,દર મહિને GSTનું રિટર્ન ફાઇલ કરતાં હોય એ કરદાતાઓ અને ખાસ કરીને ઇન્વરટેડ રેટ સ્ટ્રક્ચર મુજબ જે લોકો રિફંડ મેળવે છે તેમના માટે આ જોગવાઈ સહાયરૂપ બની રહેશે. જોકે 22 સપ્ટેમ્બર બાદ આખું માળખું સામે આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે,ઉદ્યોગપતિઓ ઘણીવાર માલ પહેલા મોકલે છે અને પછી ચુકવણી લે છે. ઘણી વખત તેઓ પહેલા ચુકવણી લે છે અને પછી માલ મોકલે છે. GSTએ આ મામલે ઉદ્યોગપતિઓને સ્પષ્ટતા કરી છે કે જો તેમણે માલ પહેલા મોકલ્યો હોય અને તેનું ચુકવણી અથવા બિલ 22 સપ્ટેમ્બર પછી જનરેટ થઈ રહ્યું હોય, તો નવા દરે GST લાગુ થશે.