ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા 27ની ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે ત્યારે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા સંદર્ભે એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરાયું છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બાબતની જાણકારી ટ્વિટ કરીને આપવામાં આવી હતી.
ધો.10-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે દોડાવાશે વધારાની એસટી બસ
રાજ્યમાં આગામી 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ 2025 દરમિયાન ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ચાલવાની છે, ત્યારે વિદ્યાર્થી માટે વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મામલે રાજ્યના ગૃહમંત્રી અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, ‘એસ.ટી.નિગમ દ્વારા દર વર્ષની જેમ ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસો ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રીપો ચલાવવાનું આયોજન છે. હાલમાં જે-તે જિલ્લા વહીવટીતંત્ર તરફથી 85 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવાની માંગણી મળી છે. હજુ પણ માંગણી મળેથી તે મુજબ વધારાની બસો ચલાવવામાં આવશે.’
રાજ્યમાં બોર્ડના વિદ્યાર્થીઓને પરિવહનમાં તકલીફ ન પડે તેને લઈને તેમણે જણાવ્યું કે, ‘એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે તમામ જિલ્લા લેવલના વિભાગોને પરીક્ષાર્થીઓને અગ્રીમતા આપી એક્સ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા સૂચનો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ સાથે એસ.ટી.નિગમના દરેક વિભાગો ખાતે કંટ્રોલ રૂમ પણ શરુ કરવામાં આવશે.’
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 (SSC) અને ધોરણ-12(HSC)ના વિદ્યાર્થીઓની આગામી 27 ફેબ્રુઆરી 2025થી શરુ થશે. આ પરીક્ષા 10 માર્ચ 2025એ પૂર્ણ થશે. જોકે, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 13 માર્ચ સુધી ચાલુ રહેવાની હતી, પરંતુ હોળી-ધુળેટીની રજાને લઈને 13 માર્ચે પૂર્ણ થતી પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે. બોર્ડના ટાઇમટેબલ પ્રમાણે સામાજિક વિજ્ઞાન, ચિત્રકામ, એગ્રીકલ્ચર સહિતના વિષયની પરીક્ષા જે 12 માર્ચે લેવાની હતી તે હવે 15 માર્ચે લેવામાં આવશે. તેમજ 13 માર્ચે યોજાનારી ફારસી, સંસ્કૃત, અરબી, પ્રાકૃત સહિતના વિષયોની પરીક્ષા હવે 17 માર્ચે યોજાશે. એટલે 13 માર્ચે પૂર્ણ થતી પરીક્ષા 17 માર્ચે પૂર્ણ થશે.