ગોંડલ : હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળાની ધરપકડ બાદ જામીન પર છુટકારો, મુખ્ય આરોપી તેજલ હજુ પોલીસ પકડથી દુર !
ગોંડલનાં 60 વર્ષના પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવનાર પદ્મિનીબા વાળા અને તેના પુત્ર સહિત ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કર્યાના કલાકોમાં જ તમામ આરોપીઓને જામીનમુક્ત કરવામાં આવ્યા હતા. જો કે આ પ્રકરણમાં મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ પોલીસ પકડથી દુર છે.
ગોંડલના જેતપુર રોડ પર આવેલા ગીતાનગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલિયાને તેજલ છૈયા નામની યુવતીએ મોબાઈલ નંબર આપ્યા બાદ વીડિયોકોલ મારફતે પ્રેમજાળમાં ફસાવ્યા હતા. જે બાદ પોતાનું દેણું ઉતારવા માટે રૂપિયા નહિ આપે તો મરી જવાની ધમકી આપી હતી. આ સમય દરમિયાન પદ્મિનીબા વાળા અને તેના પુત્ર ઉપરાંત શ્યામ અને હિરેન નામના શખ્સો રમેશભાઈના ઘેર જઈ ધમાલ મચાવીને 7 થી 8 લાખ રૂપિયાની માંગણી કરી હતી. બનાવ અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે બીએનએસ કલમ 333, 308(4), 351(2) અને 54 મુજબ પદ્મિનીબા વાળા સહિત તમામમાં વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.
પોલીસે આ કેસમાં આરોપી પદ્મિનીબા વાળા પુત્ર સત્યજીતસિહ ઉપરાંત હિરેન અને શ્યામ નામના આરોપીઓની ધરપકડ કરી હતી. સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ આ ગુન્હામાં કોઈ રકમના હજુ વહીવટ ન થયો તેથી રિકવરીનું કોઈ કારણ ન હોય જેથી તમામ આરોપીઓને કલાકોમાં જામીન મળી ગયા હતા. આ કેસમાં ફરાર મુખ્ય આરોપી તેજલ છૈયા પોલીસ પકડથી હજુ દૂર હોવાનું સામે આવ્યું છે.