ગોંડલ ચકચારી રાજકુમાર જાટ મૃ*ત્યુ કેસ : ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો નાર્કો ટેસ્ટ કરાશે,કોર્ટ દ્વારા અપાઈ મંજૂરી
ગોંડલના ચકચારી રાજકુમાર જાટના મોત કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જયરાજસિંહના પુત્ર ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે, રાજકોટની કોર્ટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. SITના અધ્યક્ષ સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ આ અંગે મંજૂરી માગી હતી ત્યારે ગણેશ જાડેજાએ નાર્કો માટે સહમતી આપી છે. કોર્ટે મંજૂરી ગ્રાહ્ય રાખતા આગામી દિવસોમાં નાર્કો ટેસ્ટ થશે.
શું છે સમગ્ર મામલો?
ગોંડલમાં રહેતા રાજસ્થાનના વતની રાજકુમાર રતનલાલ ચૌધરી જાટ નામના યુવકને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ અને તેની સાથેના ઈસમો દ્વારા માર માર્યા બાદ લાપત્તા રાજકુમાર જાટની ત્રણ દિવસ પછી રાજકોટ નજીક કુવાડવા હાઇ-વે પર બસ અકસ્માતમાં મૃત્યુ પામ્યાની સંદિગ્ધ ઘટનામાં હાઈકોર્ટ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ માટે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુને ટીમ બનાવીને તપાસના આદેશ કર્યા હતા ત્યારે જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ મામલે કોર્ટે મંજૂરી ગ્રાહ્ય રાખતાં આગામી દિવસોમાં નાર્કો ટેસ્ટ કરાશે. આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા(SP) પ્રેમસુખ ડેલુને મંજૂરી માંગી હતી.
સાત માસથી વધુ સમયથી ચર્ચાસ્પદ બનેલા કેસમાં તપાસ ખૂલતા ચકચાર જાગી છે. ગોંડલમાં ત્રણેક દશકાથી વધુ સમયથી રહેતા અને ગોંડલ ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાઉંભાજી નામે વ્યવસાય કરતાં રતનલાલ જાટનો એન્જિનિયર પુત્ર રાજકુમાર જાટ યુપીએસસીની તૈયારી કરતો હતો. ગત તા.2 માર્ચના રોજ રાજકુમાર તથા તેના પિતા બન્ને બાઈક પર જઈ રહ્યા હતા. ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલો પાસે જ પિતા-પુત્ર ઝઘડી પડ્યા હતા. જેને ઘટનામાં પૂર્વ એમએલએ પુત્ર ગણેશે પિતા-પુત્રને ઘરમાં લઈ જઈ અન્ય ઈસમો સાથે મળીને મારકૂટ કરી હતી. ત્યારબાદ તા.3 માર્ચના મોડીરાત્રીના રાજકુમાર લાપત્તા બની ગયો હતો.
આ પણ વાંચો :ગોંડલ રાજકુમાર જાટનો સંદિગ્ધ મૃત્યુ કેસ ખૂલ્યો : હાઇકોર્ટે SP ડેલુને સોંપી તપાસ, સમગ્ર ઘટનાની એકડેએકથી તપાસ આરંભાશે
રાજકુમાર જાટ લાપત્તા બન્યા બાદ તા.3ના રોજ વહેલી સવારે ગોંડલ હાઈ-વે ભરૂડી ટોલનાકાથી કુવાડવા હાઈ-વે સુધી પગપાળા જતો સીસીટીવીમાં દેખાયો હતો. રસ્તામાં નગ્ન હાલતમાં ચાલીને જતો હતો અને કોઈકે કપડાં પણ આપ્યા હતા. પગપાળા કુવાડવા પાસેના રામધામ આશ્રમમાં રાત્રીના પ્રવેશ્યો હતો. ત્યાંથી તા.4ની વહેલી સવારે નીકળ્યો અને આશ્રમથી પગપાળા જતાં અર્ધો કિલોમીટર જેવા અંતરે જ બસની ઠોકરે મૃત્યુ નિપજ્યું હતું.
જે તે સમયે રાજકુમારના પિતાએ પુત્ર ગૂમ થયાની અને ગણેશે માર માર્યાના અક્ષેપ સાથેની ગોંડલ પોલીસમાં ફરિયાદ આપી હતી. લાપત્તા રાજકુમારની લાશ અજાણ્યા યુવક તરીકે મળી હતી અને બે દિવસ બાદ ઓળખ મળી હતી. મૃત્યુ અંગે થયેલા આક્ષેપોમાં ગોંડલ તથા રાજકોટ શહેર પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સીસીટીવી કેમેરાઓ ચેક કરાયા હતા અને બસની ઠોકરે મૃત્યુ થયાનું એ સમયે ખૂલ્યું હતું. કુવાડવા રોડ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ખાનગી ટ્રાવેલ્સના ચાલકની ધરપકડ કરી હતી.
પુત્રનું મૃત્યુ અકસ્માતથી નહીં હત્યા કરાઈ હોવાની આશંકા સાથે રાજકુમારના પિતાએ ગણેશ સહિતના સામે આક્ષેપો અને લેખિત અરજી આપી હતી. પોલીસ દ્વારા અકસ્માતથી જ મૃત્યુ થયાના પુરાવા અપાયા હતા. સંનિગ્ધ મૃત્યુની સમગ્ર ઘટના અંગે રાજકુમારના પિતા રતનલાલ જાટે હાઈકોર્ટમાં ધા નાખી સીબીઆઈની તપાસની માગણી કરી હતી. ચાર દિવસ પૂર્વે હાઈકોર્ટ દ્વારા ફરિયાદ અને રજૂ થયેલા પૂરાવાઓ સહિતના મુદ્દાઓ ધ્યાને લઈને તપાસ સીબીઆઈને સોંપવા યોગ્ય ગણાવી હતી. સાથોસાથ રાજ્ય સરકારને રાજકોટ એસપી સિવાયના અન્ય ત્રણ એસપીને તપાસ સોંપવા માટે નામ આપવા કહ્યું હતું. ફોરેન્સિક રિપોર્ટને પણ હાઈકોર્ટે શંકાસ્પદ ગણાવ્યો હતો.
