તિરુપતિથી લઈ દ્વારિકાધીશને અર્પણ થતાં સોનાના આભૂષણો બને છે રાજકોટમાં : સોની બજારમાં બારેય માસ બને દેવોના આભૂષણો
સોનાના ભાવ હજારો કે લાખોમાં પહોંચી ગયા હોવા છતાં રાજકોટની સોનીબજારમાં ભક્તિનો જ્યોત કદી મંદ પડતી નથી. વર્ષના બારેય મહિના અહીં ભગવાન માટેનાં સોના અને ચાંદીનાં આભૂષણો બનતા રહે છે. ભક્તોની શ્રદ્ધા અને કારીગરોની કળા સાથે રાજકોટની આ સોનીબજાર દેશ-વિદેશનાં મંદિરોમાં ચડાવાતા દાગીનાઓ માટે ખાસ ઓળખ ધરાવે છે.

રાજકોટની સોનીબજારને મનમોહક ડિઝાઇનની જવેલરી માટે તો વિશ્વવિખ્યાત ગણવામાં આવે છે, પણ અહીં બનેલી ટેમ્પલ જવેલરી પણ એટલી જ પ્રસિદ્ધ છે. તિરુપતિ બાલાજી, સોમનાથ, દ્વારકાધીશ, શ્રીનાથજી, ગોકુળ, મથુરા, બરસાના, ગઢડા સ્વામીનારાયણ મંદિરથી લઈને વિદેશમાં આવેલા અનેક મંદિરો સુધી ભગવાન માટેના સોના-ચાંદીના આભૂષણો રાજકોટમાંથી જ બને છે.
અહીંના કારીગરો ભગવાનના આભૂષણો બનાવતાં પહેલાં ભક્તની ભાવનાને ધ્યાનમાં રાખે છે. 200 મિલીમીટર જેટલા નાનકડા આભૂષણથી લઈને 200 ગ્રામ સુધીનાં ભારે દાગીનાં કળાત્મક રીતે હેન્ડમેઇડ બનાવવામાં આવે છે.

હવેલીઓથી લઈને મોટા મંદિરો સુધી પહોંચે રાજકોટનાં આભૂષણો
વર્ષોથી મંદિરો માટે જવેલરી બનાવતા વિમલભાઈ સોની જણાવે છે કે,જન્માષ્ટમી અને દિવાળીના તહેવાર દરમિયાન ઠાકોરજી અને દ્વારકાધીશ માટેના વિશેષ શૃંગારની માંગ વધે છે. અમે ભગવાન માટે બાંસુરી, ઝાંઝરા, કડા, મુગટ, નેત્ર, ચિબુક, નથણી, બાજુબંધ અને હાંસડી જેવા દાગીનાં બનાવીએ છીએ. દરેક દાગીના પાછળ ભક્તિ અને કળાનો સંગમ હોય છે.આ આભૂષણો માત્ર સોનાં-ચાંદીના ન રહેતાં, ભક્તિના સ્પર્શથી “પવિત્ર અર્પણ” બની જાય છે.

સોનાના ભાવ ઉંચા છતાં ભક્તિમાં અડગતા
આ સમયે સોના અને ચાંદીના ભાવ આસમાને છે. તેમ છતાં દિવાળી જેવા તહેવારોમાં ભક્તો ભગવાન માટે દાગીના અર્પણ કરવાનું ભૂલતા નથી.રાજકોટના સોની વેપારી પ્રશાંત પાટડીયા કહે છે કેધનતેરસ અને દિવાળી દરમ્યાન લોકો પોતાની ખરીદી તો બજેટ પ્રમાણે કરે છે, પણ ભગવાન માટેના દાગીના બનાવવા ક્યારેય પાછળ પડતા નથી. આ સમયમાં લક્ષ્મીજી, ગણેશજી અને શુભલાભ-સ્વસ્તિકની લગડી, સિક્કા અને ગીનીનું વેચાણ પણ વધે છે.
આ પણ વાંચો :લો બોલો! રાજકોટની ભાગોળે મહીકા ગામે કૌભાંડિયાએ સરકારી જમીનમાં આખી સોસાયટી ઉભી કરી નાખી

વાગડીયા બંધુઓએ સોનાની તલવાર,ઢાલ, સોનાની જીભ અને નેત્ર બનાવ્યાં
હેરીટેજ અને ટેમ્પલ જવેલરી બનાવવામાં નામના ધરાવતાં શિરીષભાઈ વાગડીયા કહે છે કે,અહીં દરેક દાગીનાં હેન્ડવર્કથી બનાવાય છે. સૌપ્રથમ ડ્રોઇંગ તૈયાર કરી આરીથી ઘાટ અને નકશીકામ થાય છે. તાજેતરમાં એક ભાવિકએ ભગવાન માટે સોનાની તલવાર બનાવવાનો ઓર્ડર આપ્યો હતો, જે આપણે બનાવી સોનાની તલવાર,ઢાલ બનાવી આપી તેમને ભગવાનને અર્પણ કરી છે.સુનિલભાઈ અને નવનીતભાઈ વાગડીયા ઉમેરે છે કે,નવરાત્રિના પ્રસંગે માતાના મઢ માટે માતાજીની સોનાની જીભ અને નેત્ર બનાવ્યા હતા. આ ઉપરાંત તિલક, મોળીયો, હાર અને અન્ય શૃંગાર માટેના દાગીનાંનાં ઓર્ડરો મળે છે.રાજકોટની સોનીબજાર હવે ટેમ્પલ જવેલરીની હેરીટેજ ગેલેરી તરીકે પણ ઓળખાઈ રહી છે, જ્યાં ભક્તિ અને કારીગરીનું અનોખું સંગમ જોવા મળે છે.
