રાત્રે નીકળવું કપરૂં જ બને ને? રાજકોટમાં 8 મહિનામાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની 25257 ફરિયાદ,અનેક ગુનેગારોએ ફાયદો પણ ઉઠાવ્યો
રાજકોટ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ બંધ હોવાને કારણે ડરામણું અંધારું હોવાથી લોકો ત્યાંથી નીકળતાં પહેલાં સો વખત વિચાર કરે છે. આ ઉપરાંત ગુનેગારો પણ આ વાતનો ફાયદો લઈને લૂંટ, ચોરી સહિતના ગુનાને અંજામ આપતા હોય છે તો યુવતીઓ અને મહિલાઓ માટે પણ આ પ્રકારનું અંધારું જોખમી હોવાનું જાણતાં હોવા છતાં મહાપાલિકાની રોશની શાખા દ્વારા જરા પણ ગંભીર બન્યા વગર કામ કરવામાં આવી રહ્યું હોય તેમ માત્ર આઠ મહિનાની અંદર જ શહેરમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની કુલ 25257 ફરિયાદ નોંધાઈ છે !
સત્તાવાર રીજે જાહેર કરાયેલી વિગત પ્રમાણે રાજકોટમાં આજની તારીખે કુલ 79964 સ્ટ્રીટલાઈટ આવેલી છે જ્યારેતા.1-4-2025થી તા.31-12-15 સુધીના સમયમાં કુલ 1539 નંગ નવી સ્ટ્રીટલાઈટ ફિટ કરવામાં આવી છે. કુલ સ્ટ્રીટલાઈટની સામે આઠ મહિનાની અંદર 40985 ફરિયાદ પણ મળવા પામી છે. સૌથી વધુ ફરિયાદ સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની મળી છે જેમાં વોર્ડ નં.13માં 2485 ફરિયાદ મળી હોય તે આંકડો અન્ય વોર્ડની તુલનાએ વધુ છે.
આ પણ વાંચો :રાજકોટમાં સ્કૂલ વેનના ચાલકે જ 14 વર્ષીય વિદ્યાર્થિનીનો દેહ અભડાવ્યો: બાળકીએ માતાને હકીકત જણાવતાં જ ભાંડો ફૂટ્યો
આ ઉપરાંત વોર્ડ નં.1માં 1261, વોર્ડ નં.2માં 716, વોર્ડ નં.13માં 1397, વોર્ડ નં.4માં 1745 સહિત કુલ 25257 ફરિયાદ સ્ટ્રીટલાઈટ બંધ હોવાની મળી છે. આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ ડેમેજ હોવા અંગેની 901, દિવસ થઈ જવા છતાં લાઈટ ચાલુ હોવાની 580, સ્ટ્રીટ લાઈટમાં શોર્ટસર્કિટ થયાની 252, સ્ટ્રીટલાઈટનો એંગલ બદલવાની 545, વિસ્તાર બંધ હોવાની 13451 મળી કુલ 40985 ફરિયાદ નોંધાઈ છે. અત્યારે સૌથી વધુ સ્ટ્રીટલાઈટ વોર્ડ નં.3માં 7065 છે, જ્યારે સૌથી ઓછી 2263 લાઈટ વોર્ડ નં.16માં ફિટ કરવામાં આવી છે.
