‘ભગવાને મને બચાવી લીધો’…રાજકોટ સિટી બસ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવકે જણાવી આપવીતી
રાજકોટ મહાપાલિકાની બસ સેવા એટલે શહેરના માર્ગો પર જાણે યમદૂતોના પાડા દોડતા હોય તેવુ બેફામ કે બેલગામ જેવી દોડતી બસો સમયાંતરે અકસ્માત સર્જતી રહે છે. બુધવારની સવાર રાજકોટ સિટી બસ નં.ઈ-52એ ચાર પરિવારો માટે આજીવન ગોઝારી જેવી બનાવી દીધી હતી આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવક વિશાલ રાજેશભાઈ મકવાણા (ઉં.વ.28 રહે. રાજમોતી ઓઈલ મિલ નજીક) બનાવની આપવીતી જણાવતા ‘વોઇસ ઓફ ડે’ને જણાવ્યું હતું કે હું બાંધકામ સાઈડ પર લાદી કામ કરું છું. હાલમાં મારી સાઈટ મેટોડા ચાલુ હોય તેમ હરરોજની જેમ હું ઘરેથી મારું બાઈક લઈને મેટોડા જઈ રહ્યો હતો.

દરમિયાન ઇન્દિરા સર્કલ પાસે સિગ્નલ બંધ હોવાથી હું રોડની વચ્ચે જ બાઇક લઈને ઊભો હતો તેવામાં પાછળથી કોઈ બસ ચાલકે બાઈક સહિત મને ઉલાળિયો હતો. જો કે બાઈકને જોરદાર ટક્કર લાગતાં જ હું ફેંકાઈ જઈને ત્યાં બાજુમાં રહેલી ફૂટપાથ ટપીને બાજુના રોડ પર ફંગોળાઈ ગયો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત વિશાલભાઈને જમણા હાથમાં સાત ટકા આવેલ તેમજ કપાળના ભાગે પણ ઈજા થવા પામી હતી.
મારી નજર સામે જ બહેને દમ તોડી દીધોઃ સુરજ રાવલ

ઇન્દિરા સર્કલ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં કૌટુંબિક મૃતક સંગીતા ચૌધરીના કૌટુંબિક ભાઈ સુરજ ધર્મેશભાઈ રાવલે ‘વોઈસ ઓફ ડે’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું અમીન માર્ગ પર આવેલ એડોમ સલુન પાસેથી બાઇક પર બહેન સંગીતાને લઈને તેઓને ઇન્દિરા સર્કલ પાસે આવેલ આકૃતિ બ્યુટી પાર્લરમાં મૂકવા જઈ રહ્યો હતો દરમિયાન સિગ્નલ ખુલતા જ પાછળથી પુરપાટ ઝડપે સિટી બસ આવેલ અને બાઇક સહિત અમને બંનેને અડફેટે લીધા હતા.
બસની ઠોકર લગતા હું ફંગોળાઈ જઈને દૂર ફેંકાઈ ગયો હતો. જ્યારે મારી નજર સામે જ બસનું ટાયર સંગીતાબેન પર ફરી વળતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જે બાદ મને ૧૦૮ મારફતે સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ ઘટનામાં સુરજ રાવલના પગના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી છે.