યુવતીનું મો*ત: રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર-પોલીસની એકબીજા પર ફેંકાફેંકી, જવાબદાર કોણ? જાણો શું છે મામલો
રાજકોટ શહેરના સ્લમ એરીયા રૈયાધાર વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી (ત્યકતા)નું સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લવાયા બાદ મોત નિપજ્યાની ઘટનામાં સિવિલના તબીબો અને પોલીસ દ્વારા એકબીજા પર ફેંકાફેંકી ચાલી રહી છે. યુવતીનું ફૂડ પોઇઝનીંગથી મૃત્યુ થયુ હતું કે, અન્ય કાંઇ એ સ્પષ્ટતા સિવિલના તબીબો કરી શક્યા નથી. જો ફૂડ પોઇઝનીંગ કેસ, મૃત્યુ હોય તો ફરજીયાત પણ મહાપાલિકાને જાણ કરવી પડે અને ફૂડ પોઇઝનીંગ ન હોય અન્ય કારણ હોય તો પોલીસને જાણ કરવી પડે. બંનેમાંથી એક પણ સરકારી વિભાગને સિવિલના તંત્ર દ્વારા જાણ કરાઇ નહીં અને મૃતદેહ પણ સોંપી દેવાયો. શું શ્રમિક પરિવારની યુવતી હતી એટલે દરકાર ન લેવાઇ? કે પછી બેદરકારી દાખવાઇ? જવાબદાર કોણ? પોલીસ કે સિવિલ તંત્ર?
શું છે સમગ્ર ઘટના?
રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતી સલમા મહેબુબભાઇ ઠેબા (ઉ.વ.24)ને તા.30ને રવિવારે સવારે 10: 56ના સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં લેવાઇ હતી. બે કલાકની સારવાર બાદ 1:15 કલાકે ડૉ. જ્યોતિએ મૃત જાહેર કરી હતી. બે કલાકના સમય ગાળા દરમિયાન સિવિલ હોસ્પિટલમાં જ બેસીને પોલીસ ચોકીને દાખલ થયાથી મૃત્યુ સુધી જાણ કરાઇ નહીં અને મૃતદેહ પરિવારને પોષ્ટમોર્ટમ કરાવ્યા વિના જ સોંપી દેવાયો હતો.
મૃતકના પિતા અયુબભાઇના કહેવા મુજબ શનિવારે રાત્રે ટીંડોળા, બટેટાનો સંભારો, રોટલી, ખીચડી આરોગ્યા બાદ રાત્રે જ પોતાને પત્ની મુમતાજબેનને ઉલ્ટી થઇ હતી. જ્યારે પુત્રી સલમાને સવારે નવેક વાગ્યે ઉલ્ટીઓ થતાં સારવારમાં ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતાં. સલમાનના લગ્ન ચાર વર્ષ પૂર્વે થયા હતાં. એક પુત્ર છે. છુટુ થઇ જતાં સાથે રહેતી હતી અને શિવપરામાં શાળામાં પ્યુન તરીકે ફરજ બજાવતી હતી.
આ પણ વાંચો :રાજકોટમાં કોમ્યુનિટી હોલ પ્રત્યે મોહભંગ! બુકિંગમાં નોંધપાત્ર ઘટાડો,પાર્ટી પ્લોટ તરફનો ઝુકાવ હોલના બુકિંગમાં ‘મંદી’નું કારણ
સિવિલમાં ટુંકી સારવાર બાદ જ યુવતીનું મૃત્યુ નિપજ્યું હતું. મૃત્યુ બાદ પી.એમ. ન કરાવાયું. તો તબીબો દ્વારા મૃત્યુનું ચોક્કસ કારણ કોઝ ઓફ ડેથ જાહેર કરાયું ન હતું. યુવતી સારવારમાં આવી અને મૃત્યુ સુધીની ઘટનામાં પોલીસ કે ફૂડ પોઇઝનીંગ હોય તો મહાપાલિકા એકપણને જાણ ન કરાયા બાબતે એકબીજા પર ફેંકાફેંકી જેવું થઇ પડ્યું છે. જે બાબતે ઇમરજન્સી વિભાગના હેડ ડૉ. રાહુલ ગંભીરે એવો રાગ આલાપ્યો કે મારી અંડરમાં ન્હોતા એટલે કોઝ ઓફ ડેથ બાબતે મારે પુછવું પડે જેને જોયું હોય (ટ્રીટમેન્ટ કરી હોય) તેને ખ્યાલ હોય. જો કે એવું સ્વીકાર્યુ કે ફુડ પોઇઝનીંગ, કોલેરા હોય તો એમ.એલ.સી. કરીને જાણ કરવી પડે.
આર.એમ.ઓ. દુસરાના કથન મુજબ પેસેન્ટ આવે ત્યારે એમ.એલ.સી. કરવાની હોય, જો કે એમ.એલ.સી.ની જાણ કરી પરંતુ પોલીસે ના કહી હોવાનું સ્ટાફ પાસે લખાણ છે. આમ છતાં તપાસ ચલાવશું. દુસરાના જવાબથી તો આશ્ચર્ય એ થઇ પડે કે શું પોલીસ ના પાડે તો તબીબો કોઇ કેસમાં એમ.એલ.સી. જ ન કરાવે કે નહીં કરાવે?
આ પણ વાંચો :‘રાજકોટમાં પ્રદૂષણના સ્તરમાં વધારો! હવા ખરાબ થતાં જ શરદી-ઉધરસ-તાવનો રોગ વકર્યો : 2179 કેસ
સિવિલ સર્જન મોનાલીબેન માંકડીયાના કહેવા મુજબ ટ્રીટ્રીંગ ડૉકટર (સારવાર કરનાર તબીબ)ને જ ખ્યાલ હોય. કોઝ ઓફ ડેથ તેમને જ ખબર હોય. પરિવારે ના પાડી હોય તો પી.એમ. ન કરાવ્યું હોય. ડૉ. માંકડીયાની વાત પરથી પણ સવાર એ ઉદ્ભવે કે 24 વર્ષથી યુવાન યુવતીનું ટુંકી સારવાર બાદ જ મૃત્યુ થયું. છતાં ફૂડ પોઇઝનીંગ હય તો કેમ કોઇ વિભાગને જાણ ન્હોતી કરાઇ. પરિવાર કદાચ નિયમથી અજાણ હોય અને શોકગ્રસ્ત હોય તો પી.એમ. કરાવવાની ના પાડે તો શું સિવિલના તબીબો એ વાત સ્વીકૃત કરી લીધી હશે? નિયમ સમજાવવા પ્રયાસ નહીં કર્યા હોય?
જ્યારે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એ.એસ.આઇ. અમૃતભાઇ મકવાણાએ સ્પષ્ટ કહ્યયું કે, અમને હોસ્પિટલ તબીબો તરફથી આવા બનાવ એમએલસી બાબતે કોઇ જાણ કરાઇ જ નથી. મૃત્યુ બપોરના સમયે થયું અને સમી સાંજે રીટ્રોગેટ એમ.એલ.સી. કરવા કહેવાયું. જ્યારે દર્દી જ ન હોય તો એમ.એલ.સી. કઇ રીતે કરી શકાય? સિવિલ હોસ્પિટલ ચોકી સ્ટાફની કામગીરી એમ.એલ.સી. નોંધ કરીને સબંધીત પોલીસ મથકને જાણ કરી દેવાની હોય છે. પોલીસનું કામ જ નોંધ કરવાનું છે તો પોલીસને શું વાંધો હોઇ શકે અમે તો ત્યાં જ હાજર હતા. આ બનાવમાં કોઇએ કાંઇ જાણ કરી જ નથી.
અત્યારે તો તબીબો દ્વારા બચાવ માટે અથવા તો ઢાંકપીછોળા કરવા માટે દોષનો ટોપલો હલકું લોહી હવાલદારનું માનીને પોલીસ પર ઢોળવાનો પ્રયાસ હશે અથવા તો તબીબના કથન મુજબ પોલીસે એન્ટ્રી નહીં લીધી હોય પરંતુ એક શ્રમિક પરિવારની યુવાન પુત્રીના મોતમાં જવાબદારી બાબતે ફેંકાફેંકી થઇ રહી છે કે શું?
