યુવતીએ 13 વર્ષની સગીરાને ઈન્સ્ટા થકી ફસાવી, બોયફ્રેન્ડના મિત્રએ દુષ્કર્મ ગુજાર્યું : 4 લોકોનું કારસ્તાન, પોલીસે કરી ધરપકડ
રાજકોટના સહકારનગર મેઈન રોડ ઉપર એક અત્યંત ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી જ્યાં એક યુવતીએ 13 વર્ષની સગીરા સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કેળવી તેને ફસાવી હતી. આ પછી યુવતીના બોયફ્રેન્ડના મિત્રએ સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું તો ભાઈએ અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાતાં પોલીસે ચારેયને સકંજામાં લઈ આગવી ઢબે સરભરા કરી હતી.

આ અંગે 13 વર્ષ સાત માસની વય ધરાવતી સગીરાની માતાએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે મોરબીની સમીના, સમીનાનો બોયફ્રેન્ડ ફૈઝાન, તેનો મિત્ર સતિષ ગોહેલ અને સમીનાના ભાઈ આફતાબના નામ આપ્યા હતા.
પોલીસ તપાસમાં ખુલ્યા પ્રમાણે સમીનાએ સગીરા સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કેળવ્યો હતો. દિવસો સુધી બન્ને વચ્ચે ચેટિંગ થયા બાદ દિવાળી પર મળવાનું નક્કી કર્યું હતું. વળી, સમીના તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર કારમાં ફરતી હોવા સહિતના વીડિયો અપલોડ કરતી હોય સગીરા પણ અંજાઈ ગઈ હતી. ત્યારબાદ બેસતા વર્ષના દિવસે સમીના, તેનો બોયફ્રેન્ડ ફૈઝાન, તેનો મિત્ર સતીષ ગોહેલ, સમીનાનો ભાઈ આફતાબ સહિતના સગીરાને મળવા રાજકોટ આવ્યા હતા. અહીંથી સગીરાને કારમાં બેસાડી રાજકોટના અટલ સરોવર ઉપરાંત મોરબી લઈ ગયા હતા. અહીં સતીષ ગોહેલ દ્વારા સગીરા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું જ્યારે સમીનાના ભાઈ આફતાબ દ્વારા સગીરાને શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા.
આ પછી સગીરાએ સઘળી હકીકત માતાને જણાવતા જ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં ખુલ્યા પ્રમાણે સગીરા ભણતી નથી પરંતુ તેની પાસે મોબાઈલ છે. તે બે બહેનમાં નાની છે. જ્યારે માતા કેટરર્સમાં નોકરી કરતા હોવાનું તો પિતા આઈસ્ક્રીમ વેચતા હોવાનું સામે આવ્યું છે.
