અખાત્રીજ સમયે રાજકોટની સોની બજારમાં ગેસનું ગ્રહણ: વેપારીઓ-કારીગરોએ આપત્તિને અવસરમાં ફેરવી, ઇલેક્ટ્રિક હીટર બન્યો નવો વિકલ્પ
ગેસની અછતનો ઝાટકો હવે માત્ર સીરામીક ઉદ્યોગ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ તેનો પ્રભાવ રાજકોટના વિશ્વપ્રસિદ્ધ સોની બજાર સુધી પહોંચી ગયો છે. દેશભરમાં દાગીના ઘડતર માટે જાણીતી આ માર્કેટમાં અખાત્રીજ સીઝન પહેલા જ કારીગરો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સોનાના ભાવમાં ઘટાડો અને ઓર્ડરોમાં વધારો થવાના આ સમયે ગેસની તંગીએ કામકાજ પર અસર કરી છે. પરંતુ આવી પડકારજનક પરિસ્થિતિમાં રાજકોટના કારીગરોએ નવી દિશા અપનાવી ઇલેક્ટ્રિક ટેકનોલોજી તરફ વળીને સમસ્યાનો નવીન ઉકેલ શોધ્યો છે.
દાગીના બનાવવાની પરંપરાગત પ્રક્રિયામાં ગેસ ભઠ્ઠીનો મહત્વનો ભાગ રહ્યો છે, જેમાં સોનું ઓગાળવાથી લઈને ફિનિશિંગ સુધીના તમામ તબક્કા ગેસ પર આધારિત રહે છે. પરંતુ છેલ્લા સમયમાં ગેસના બાટલા મેળવવામાં વધી રહેલી મુશ્કેલીઓ અને નિયમોમાં થયેલા ફેરફારોને કારણે કારીગરો માટે કામ ચાલુ રાખવું મુશ્કેલ બન્યું હતું.

વિશ્વ સ્તરે મધ્ય એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને સપ્લાય ચેઇનમાં આવેલા વિક્ષેપોના કારણે ઇંધણના ભાવમાં વધારો નોંધાયો છે, જેનો સીધો અસર ભારતમાં કોમર્શિયલ ગેસ પર પડી છે. ખાસ કરીને નાના અને મધ્યમ કારીગરો માટે ગેસનો પુરવઠો મર્યાદિત બનતા તેમના રોજિંદા ઉત્પાદન પર અસર થઈ રહી હતી.
આ પરિસ્થિતિમાં રાજકોટના સોની બજારના કારીગરોએ ઇલેક્ટ્રિક ઘન (Electric Furnace/Heater) તરફ વળીને એક નવી શરૂઆત કરી છે. આ ટેકનોલોજીની મદદથી હવે સોનું ઓગાળવાની પ્રક્રિયા વધુ સરળ, સુરક્ષિત અને સતત બની છે. ગેસની અછત વચ્ચે આ વિકલ્પ કારીગરો માટે રાહતરૂપ સાબિત થયો છે.

ખાસ વાત એ છે કે રાજકોટના સોની ઉદ્યોગમાં હજારો બંગાળી કારીગરો કાર્યરત છે, જેમણે વર્ષો સુધી પરંપરાગત પદ્ધતિઓથી દાગીના બનાવ્યા છે. પરંતુ બદલાતી પરિસ્થિતિને સ્વીકારી તેઓએ ટેકનોલોજી અપનાવી છે. શરૂઆતમાં ઇલેક્ટ્રિક સાધનો માટેનો ખર્ચ વધુ લાગ્યો હતો, પરંતુ લાંબા ગાળે તે વધુ સસ્તું અને અસરકારક સાબિત થઈ રહ્યું છે.ઉદ્યોગજગતમાં પણ આ પરિવર્તનને સકારાત્મક રીતે જોવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોના મતે, ઇલેક્ટ્રિક વિકલ્પો અપનાવવાથી પર્યાવરણ પરનો ભાર ઘટે છે અને ભવિષ્યમાં આ પદ્ધતિ વધુ પ્રચલિત બનવાની શક્યતા છે.
આ રીતે, ગેસની તંગી વચ્ચે રાજકોટના સોની કારીગરોએ પડકારને અવસર બનાવી નવીનતા અપનાવી છે. તેમની આ પહેલ માત્ર ઉદ્યોગને જ નહીં પરંતુ અન્ય ક્ષેત્રોને પણ પ્રેરણા આપનાર સાબિત થઈ રહી છે.
આ પણ વાંચો:ધો.10-12 બોર્ડની ઉત્તરવહીની ચકાસણી આવતીકાલથી શરૂ: રાજકોટમાં 26 મૂલ્યાંકન કેન્દ્રો સહિત રાજ્યમાં કુલ 454 પર પેપર થશે ચેક
સોનાના ભાવ ઉતરતા અને અખાત્રીજને લઈ ઓર્ડરો વધુ:મયુર આડેસરા
રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના પ્રમુખ મયુર આડેસરાએ જણાવ્યું હતું કે, અખાત્રીજ ગ્રાહકો સાથે સાથે ઝવેરીઓ માટે પણ એક વિશેષ પર્વ છે. આ શુભ મુહૂર્ત પર સોનાની શુકનભીની ખરીદી થતી હોવાથી બજારમાં ખાસ ઉત્સાહ જોવા મળે છે. હાલમાં સોનાનો ભાવ સર્વોચ્ચ સપાટીએથી નીચે ઉતરી રહ્યો હોવાથી આ અખાત્રીજ પર વેપારીઓમાં આશા તો છે, પરંતુ ગેસની અછત મોટી સમસ્યા બની છે.તેમણે ઉમેર્યું કે ગેસના અભાવે કારીગરોને કામમાં અડચણો આવી રહી છે, છતાં ઇલેક્ટ્રિક ફરનેશનો ઉપયોગ કરીને ઓર્ડરો પૂર્ણ કરવાની કોશિશો ચાલી રહી છે. સોનું ઓગાળવાથી લઈને દાગીનાં તૈયાર કરવા સુધીની પ્રક્રિયામાં હવે ઇલેક્ટ્રિક વિકલ્પ અપનાવવામાં આવી રહ્યો છે.જોકે દાગીના તૈયાર થયા બાદ સોલ્ડરિંગ અને ફિનિશિંગ માટે ગેસ ગન જરૂરી બને છે, ત્યાં ગેસની તંગીને કારણે હાલ કારીગરો પેટ્રોલ ગનનો વિકલ્પ અપનાવી રહ્યા છે, જેથી કામમાં અવરોધ ન આવે.
અખાત્રીજે 25% જવેલરીની ડિમાન્ડ વધી,ગેસની અછત વહેલી તકે દૂર થાય:દિવ્યેશ પાટડીયા
હાલમાં લેઝર સોલ્ડર ટેકનોલોજી દ્વારા પણ દાગીના બનાવવામાં આવે છે, પરંતુ દરેક પ્રકારના દાગીનામાં આ ટેકનોલોજી ઉપયોગી બની શકે તેવી નથી. ખાસ કરીને પરંપરાગત ડિઝાઇન અને ચોક્કસ જોડાણ માટે હજુ પણ ગેસ આધારિત પ્રક્રિયા અનિવાર્ય બની રહે છે.અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા દરમિયાન સોનાની ખરીદી વિશેષ પ્રમાણમાં થતી હોય છે. આ વર્ષે સોનાના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ તેમાં ઘટાડો આવતા બજારમાં અંદાજે 25 ટકા જેટલી માંગ નોંધાઈ રહી છે. છતાં, આ મહત્વપૂર્ણ સીઝનમાં ગેસની અછત સોની બજાર માટે મોટો પડકાર બની છે.
જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના બોર્ડ ડાયરેક્ટર દિવ્યેશભાઈ પાટડિયાના જણાવ્યા મુજબ, ઇલેક્ટ્રિક હીટરનો ઉપયોગ શરૂ થયો છે, પરંતુ દાગીનાં બનાવવામાં અમુક જગ્યાએ જોડાણ (જોઈન્ટ) કરવા માટે ગેસ ભઠ્ઠી અનિવાર્ય છે.સોની વેપારીઓએ સરકાર પાસે માંગણી કરી છે કે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે, જેથી અખાત્રીજ જેવી મહત્વપૂર્ણ સીઝનમાં ઉદ્યોગને નુકસાન ન વેઠવું પડે.
