ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં સરોદ નજીક આવેલી કેમિકલ કંપનીમાં ગેસ લીકેજની ઘટનાના પગલે દોડધામ મચી ગઈ છે. પ્લાન્ટમાંથી પીળા રંગના ધુમાડા વછૂટતાં કામદારો જીવ બચાવવા ભાગતા નજરે પડ્યા હતા.
આ ગેસ બ્રોમીન હોવાનું પ્રાથમિક અનુમાન છે જોકે હજુસુધી કંપની તરફથી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ઘટનામાં હજુસુધી કોઈ જાનહાનિના અહેવાલ સાંપડ્યા નથી. સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા પ્રયાસ હાથ ધરાયા છે. ઘટના બાબતે ફાયર બ્રિગેડને પણ કોલ આવતામાં આવતા ઇમરજન્સી સર્વિસીસની ટુકડી ઘટનાસ્થળ તરફ રવાના કરવામાં આવી છે. ગેસ ગળતરની ઘટના PI Indsutries માં બની હોવાના પ્રાથમિક અહેવાલ સાંપડી રહ્યા છે.
15 થી વધુને ગેસની અસર થઇ
બ્રોમીન ગેસ સીધો શ્વસન તંત્ર ઉપર અસર પહોંચાડે છે. શ્વાસમાં તકલીફ સહિતની સમસ્યાઓ આ ગેસથી થાય છે. હવા કરતા ભારે હોવાના કારણે તેનું જોખમ પણ વધુ રહે છે. આજે PI ઈન્ડસ્ટ્રીઝમાં બનેલી ઘટનામાં 15 થી વધુ લોકોને ગેસની અસરના લક્ષણનો સામનો કરવો પડ્યો હતો. કંપની સત્તાધીશ સહીત ઇમરજન્સી સર્વિસીસના સૂત્રોએ આ 15થી વધુ લોકોને સ્થાનિક હોસ્પિટલ ખસેડાયા હતા.
પોલીસે તપાસ શરૂ કરી
જંબુસર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરીએ જણાવ્યું હતું કે સારવાર હેઠળના વ્યક્તિઓમાં કોઈની હાલત ગંભીર હોવાના અહેવાલ નથી. મામલાની પોલીસ સહીત એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.