રાજ્ય શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં ગરમાવો : 2જી સપ્ટેમ્બરે ફોર્મ ભરવાનો આખરી દિવસ
શાળા સંચાલક મંડળમાં પ્રિયવદન કોરાટ, બી.એડ.પ્રિન્સિપાલના ઉમેદવાર નિદત બારોટ
રાજકોટ : રાજ્ય શિક્ષણ બોર્ડ ગાંધીનગરની સામાન્ય ચૂંટણી આગામી તા.24 સપ્ટેમ્બરે યોજાનાર છે ત્યારે ઉમેદવાર પસંદગીને લઈ અત્યારથી ગરમાવો જોવા મળી રહ્યો છે, શિક્ષણ વોર્ડમાં 9 સભ્યોની અલગ-અલગ કેટેગરીમાં પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણય મુજબ ઉમેદવારો જાહેર થનાર છે ત્યારે શાળા સંચાલક મંડળમાં પ્રિયવદન કોરાટ અને બી.એડ.પ્રિન્સિપાલના ઉમેદવાર નિદત બારોટ ફાઇનલ મનાઈ રહ્યા છે.
શિક્ષણ બોર્ડ ગાંધીનગરની 9 બેઠકની સામાન્ય ચૂંટણી તારીખ 24-09-2024ને મંગળવારના રોજ યોજાનાર હોય, જુદા જુદા શૈક્ષણિક સંઘો તેમના ઉમેદવારોની પસંદગી માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે, ઉમેદવારી પત્રો ભરવા માટે 20 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધીની મુદત હોય, પરંતુ જે તે સંવર્ગના પાર્લામેન્ટરી બોર્ડ તેના સત્તાવાર ઉમેદવાર જાહેર ન કરે ત્યાં સુધી મોટાભાગે ટિકિટના દાવેદાર ઉમેદવારો ઉમેદવારી છેલ્લા દિવસે 2 સપ્ટેમ્બરના રોજ કરે તેવી સંભાવના છે.
શિક્ષણ બોર્ડ ગાંધીનગરની છેલ્લી ચૂંટણી સપ્ટેમ્બર-2021માં યોજાઈ હતી. ચૂંટણી માટે બેઠક મુજબ જોઈએ તો શાળાના આચાર્ય, ઉ. બુ. શાળાના આચાર્ય અને શિક્ષક, માધ્યમિક શિક્ષક, બી.એડ. કોલેજના પ્રિન્સિપાલ, વહીવટી કર્મચારી, ઉચ્ચતર શિક્ષક, સરકારી શિક્ષક, શાળા સંચાલક અને વાલી મળી 9 બેઠકોના 74242 મતદારો છે. સૌરાષ્ટ્રના સંભવિત ઉમેદવારો જોઈએ તો સંચાલક મંડળમાં જેતપુરના ડૉ. પ્રિયવદન કોરાટ, ઉચ્ચતર શિક્ષકમાં અમરેલીના તુલસીભાઈ મકવાણા, માધ્યમિક શિક્ષકમાં જૂનાગઢના નિલેશ સોનારા, વહીવટી કર્મચારીમાં રાજકોટના જયેશ દુધાત્રા, બી.એડ. પ્રિન્સિપાલમાં રાજકોટના ડૉ. નિદત બારોટ, સરકારી શિક્ષક કેટેગરીમાં ભાવનગરના વિજય ખટાણા ઉમેદવારો છે.
હાલમાં ગુજરાતના શિક્ષણ જગતમાં ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીમાં ફોર્મ ચકાસણી કરી આખરી ઉમેદવારોની યાદી તા. 10-09-2024ના રોજ પ્રસિદ્ધ થશે અને ત્યારબાદ ચૂંટણી જંગ પરાકાષ્ઠાએ જોવા મળશે, ઉલ્લેખનીય છે કે જેતપુરના ડૉ. પ્રિયવદન કોરાટ 5 ટર્મથી બોર્ડના સભ્ય છે, જ્યારે ડૉ. નિદત બારોટ બી.એડ. પ્રિન્સિપાલમાં 2 ટર્મથી સીટિંગ મેમ્બર છે. બોર્ડમાં હાલ 9 ચૂંટાયેલા સભ્યો. 4 સરકાર નિયુક્ત જેમાં 1 સભ્ય રાજ્યની કોઈપણ યુનિવર્સિટીના એકેડમિક કાઉન્સીલના સભ્ય હોવા જોઈએ, જ્યારે 2 ધારાસભ્યો, 9 ક્લાસ વન અધિકારી મળી કુલ 24 સભ્યોનું બોર્ડ છે, અગાઉ 60 સભ્યોનું બોર્ડ હતું.