મુસાફરોના ખિસ્સા હળવા કરતી ટોળકી ઝડપાઇ: રાજકોટ બસ પોર્ટ પર પાકીટ માર ગેંગએ મોટી રકમમાં હાથ મારતા જેલના સળિયા ગાળવાનો વારો આવ્યો!
રાજકોટ શહેરના સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેશન અને માધાપર ચોકડી જેવા ભીડભાડવાળા વિસ્તારોમાં મુસાફરોના ખિસ્સા સાફ કરતી રીઢા ખિસ્સાકાતરૂઓની ગેંગને રાજકોટ એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડી છે. પોલીસે કુલ 5 આરોપીઓની ધરપકડ કરી મુસાફરો પાસેથી ચોરેલી રોકડ રકમ કબ્જે કરી છે.
એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એમ. રાણા તથા તેમની ટીમ સતત વોચમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ કનુ બસિયા, સાગર માવદીયા અને ધર્મેશ ખાડેખાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પ્રથમ આરોપી અમીન નાગરીયાને બસ સ્ટેશન નજીકથી દબોચી લેવામાં આવ્યો હતો. તેની કડક પૂછપરછમાં આખી ગેંગના નામો ખુલ્યા હતા. જે બાદ પોલીસે આ ગુનામાં સંડોવાયેલાઅમીન અજીતભાઈ નાગરિયા (ઉં.વ. 43, રહે. રાજકોટ),સંજય બટુકભાઈ દેત્રોજા (ઉં.વ. 42, રહે. રાજકોટ), સ્વસ્તિક સૂર્યવલી ઉપાધ્યાય (ઉં.વ. 32, રહે. રાજકોટ),અમીન અબ્દુલ તેરૈયા (ઉં.વ. 55, રહે. જામનગર), મુકેશ જસુભાઈ વાળા (ઉં.વ. 62) ને ઝડપી લીધા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ લાંબા સમયથી સક્રિય હતી. તેઓ અત્યાર સુધી નાની-મોટી પાકીટમારી કરતા હતા જેમાં રકમ ઓછી હોવાને કારણે ભોગ બનનાર મુસાફરો પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા હતા. આ કારણે તેઓ લાંબા સમય સુધી પોલીસની નજરથી બચી શક્યા હતા.
આ પણ વાંચો:બેન્કો હોમ લોન સાથે વીમો વેંચે તે ગુનો છે: નિર્મલા સીતારામને બેન્કોને લગાવી ફટકાર, હોમલોન લેનાર પાસે વીમો લેવા દબાણ
જોકે, છેલ્લા થોડા દિવસોમાં માધાપર બસ સ્ટેશનથી 60,000 તેમજ સેન્ટ્રલ બસ સ્ટેશનથી 50,000 અને 11,000ની ચોરી થતા પોલીસ હરકતમાં આવી હતી અને અંતે આખી ગેંગ પકડાઈ ગઈ હતી.આ ગેંગ ખાસ કરીને બસ સ્ટેન્ડ પર ભીડ હોય ત્યારે ટાર્ગેટ નક્કી કરતી હતી. જ્યારે મુસાફરો બસમાં ચડવા માટે ધક્કામુક્કી કરતા હોય, ત્યારે એક શખ્સ ધક્કો મારતો અને બીજો પલકવારમાં ખિસ્સામાંથી પર્સ સેરવી લેતો હતો.
