ફ્લેટ ભાડે રાખી MD ડ્રગ બનાવીને સપ્લાય કરતી ગેંગનો પર્દાફાશ : પોલીસે દોરોડો પાડીને રો-મટિરિયલ સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરતના કઠોર ગામ નેશનલ હાઈ-વે 48 નજીક આવેલી માનસરોવર રેસિડેન્સી બિલ્ડિંગમાં ફ્લેટમાં એમ.ડી. ડ્રગ બનાવીને સપ્લાય કરવાનું રેકેટ SMCએ પકડી પાડયું છે. છ શખસોની ધરપકડ કરી રો-મટિરિયલ તૈયાર ડ્રગ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ફ્લેટમાં એમ.ડી. ડ્રગ્સ બનાવવા માટેનો મુનાફ કુરેશી નામના શખસે જથ્થો રાખ્યો છે અને મળતિયાઓ સાથે ડ્રગ બનાવે છે તેવી સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ ચંદ્રશેખર પનારાની ટીમને માહિતી મળી હતી જે આધારે PI એમ.એસ. ત્રિવેદી, PSI આર.જી. વસાવા તથા સ્ટાફે દરોડો પાડયો હતો. ફલેટ પરથી ભાવનગરના જનતાનગર જવાહર કોલોની બોરડી ગેટનો વતની મુનાફ ઉર્ફે મુત્રો દાદુભાઈ કુરેશી મળી આવ્યો હતો. સાથે અમરેલીના બગસરાના માવજીંજવા ગામનો કેતન ઝવેરભાઈ રફાલિયા (રહે.શિવબંગલો સોસાયટી, ઉમરા વેલંજા-સુરત)ની ધરપકડ કરી હતી.

ફ્લેટની તલાશી લેતા 12.53 ગ્રામ તૈયાર એમ.ડી. ડ્રગ તેમજ ડ્રગ બનાવવા માટેનું કેમિકલ, પાવડર મળી 1,63,800નો મુદ્દામાલ મળી આવ્યો હતો. બન્નેની પૂછતાછમાં બહારથી રો-મટિરિયલ લાવી એમ.ડી. ડ્રગ્સ તેમજ અન્ય ડ્રગ જાતે બનાવતા હતા. ડ્રગ બનાવવા માટે સંડોવાયેલા અન્ય શખસો ભાવનગર કાળિયા બીડના નારણ ભગવાનભાઈ રાઠોડ, ભાવનગરના જ શાહબાજ ઉર્ફે સાબો મહેબુબ સુલતાન સૈયદ, મેહુલ દેવાભાઈ ચાહલા તથા સાહિલ ઉર્ફે બુજારી હનીફભાઈ બેલીમને પણ ઝડપી લીધા હતા.

અત્યાર સુધી હોમ મેઈન મિશ્રિત દારૂ કે વિદેશી બનાવટના દારૂ બનાવવાના રેકેટ ચાલતા હતા. હવે આવી રીતે ડ્રગ પણ બનાવવા લાગ્યા હોવાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીઓ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ મથક ગાંધીનગરમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ 1985ની કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
ભાવનગરના શખસોએ ઘરમાં જ ડ્રગ બનાવવા સિન્ડિકેટ રચી હતી
સુરતની અંદર ફ્લેટ ભાડે રાખીને ભાવનગરના તથા અમરેલીના વતની શખસોએ ડ્રગ બનાવવાની સિન્ડિકેટ રચી હતી. ઝડપાયેલા છ શખસોમાં બધાનો અલગ-અલગ રોલ નીકળ્યો છે. મુનાફ ઉર્ફે મુન્નનો મુખ્ય સુત્રધાર છે. તે ડ્રગ્સ વેચાણ કરતો અને ગેંગનો મુખીયા છે. જ્યારે અમરેલીના માવજીંજવા ગામનો કેતન રફાલિયાએ બીએસસી સુધી અભ્યાસ કર્યો હોવાથી તે કેમિકલ પ્રોસેસ કરીને ડ્રગ બનાવવામાં મુખ્ય ભૂમિમકા ભજવતો હતો. જ્યારે ભાવનગરના કાળિયાબીડ નારેશ્વર સોસાયટીના નારણ રાઠોડે ફ્લેટની સગવડ કરી આપી હતી. ભાવનગર બોરડીગેટ પાસે ત્રિમુખી હનુમાન મકરદ્વાર મંદિર પાસે રહેતો શાહબાજ ઉર્ફે સાબો ડ્રગ્સની હેરાફેરી કરતો. તેની સાથે ભાવનગર ફૂલસર ગામનો મેહુલ ચોહલા પણ ડ્રગ હેરાફેરી ટોળકીનો સભ્ય હતો. ભાવનગરમાં ભરતનગર માર્કેટ પાછળ ખોજા કોલોનીમાં રહેતા સાહિલ ઉર્ફે બુજારી ડ્રગ્સની નાણાંની લેતી-દેતી સંભાળતો હતો. તપાસ દરમિયાન અન્યોની સંડોવણી ખુલવાની સંભાવના છે.
