ગણેશ ગોંડલના 31 પ્રશ્નો સાથેનો નાર્કોટેસ્ટ રિપોર્ટ હાઇકોર્ટને સોંપાયો: રિપોર્ટની નકલ ફરિયાદી પક્ષને આપવા અદાલતનો આદેશ
ગોંડલના પૂર્વ ધારાસભ્ય પુત્ર ગણેશ જાડેજા ગોંડલનો નાર્કોટેસ્ટ રિપોર્ટ તપાસનીશ એસઆઈટી દ્વારા હાઈકોર્ટને સુપરત કરાયો છે. નાર્કો એનાલિસીસ રિપોર્ટની કોપી ફરિયાદી પક્ષને પણ આપવાના આદેશ સાથે કેસની વધુ સુનાવણી આગામી 15 જાન્યુઆરીના થશે.
ગોંડલમાં રહેતા રાજસ્થાનના વતની પાઉંભાજીના ધંધાર્થી રતનલાલ જાટજા યુવાન પુત્ર રાજકુમારને ગત વર્ષે 9 માર્ચના રોજ ગોંડલના ધારાસભ્યના બંગલોમાં લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજકુમાર લાપત્તા બન્યો હતો. ત્રણ દિવસ બાદ રાજકોટ નજીક કુવાડવા હાઇ-વે પરથી રાજકુમારની લાશ મળી હતી. રાજકોટ શહેર પોલીસની તપાસમાં ખાનગી બસની ઠોકરે મૃત્યુ થટાનું ખૂલ્યું હતું.
કુવાડવા રોડ પોલીસ દ્વારા ફેટલનો ગુનો નોંધી મહાસાગર ટ્રાવેલ્સની બસના ચાલક પ્રૌઢની ધરપકડ કરી હતી. પુત્રના શરીરે 42 જેવા ઈજાના નિશાનો હોવાથી ફેટલ નહીં પરંતુ હત્યા થયાની આશંકાએ મૃતકના પિતા રતનલાલ જાટે પોલીસમાં અરજી કરી તપાસ માંગી હતી.
સમગ્ર કેસમાં હાઈકોર્ટમાં અપીલ કરાઈ હતી. હાઈકોર્ટ દ્વારા કેસની એસપી કક્ષાના અધિકારીના વડપણ હેઠળ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ) બનાવીને તપાસ કરવા આદેશ કરાયો હતો. સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ અને તેમની ટીમ દ્વારા તપાસ કરાઈ હતી. આ દરમિયાન જેના પર શંકા કરાઈ હતી તે પૂર્વ ધારાસભ્ય પુત્ર ગણેશ ગોંડલે સામેથી જ નાર્કોટેસ્ટની તૈયારી દર્શાવી હતી. કોર્ટની મંજૂરી આધારે ગત મહિને તા.11ના રોજ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરાયો હતો.
ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો હતો. ઘટના સંબંધી માર મારવા, વ્યક્તિ ગુમ થવાથી, અકસ્માત ફેટલ સહિતના મુદ્દા સમાવીને ટેસ્ટમાં 31 પ્રશ્નો પૂછાયા હતા. ટેસ્ટ રિપોર્ટ સાથે સરકાર પક્ષે એડવોકેટ દ્વારા જણાવાયું હતું કે, નાર્કો ટેસ્ટ મુજબ કોઈ કાવતરું રચાયું નથી અને ઘરે થયેલી માથાકૂટનો બદલો લેવામાં આવ્યો હોવાનો પણ પુરાવો નથી સહિતની રજૂઆત કરાઈ હતી.
જ્યારે ફરિયાદી પક્ષના વકીલ દ્વારા કેટલાક પ્રશ્નો સાથે નાર્કો એનાલિસીસ કરવા માગણી કરી હતી. કોર્ટ દ્વારા નાર્કો એનાલિસીસ રિપોર્ટ અરજદારના વકીલને આપવા હુકમ સાથે વધુ સુનાવણી માટે તા.15 જાન્યુઆરી મુકરર કરી છે.
