ગાંધીનગર : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષ સ્થાને ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ
- અપરાધો પર નિયંત્રણ, સજાનો ભય તેમજ લોકોને ઝડપી ન્યાયનો વિશ્વાસ એ જ સુશાસનની સાચી ઓળખ
- રાષ્ટ્રપતિના હસ્તે વિવિધ અભ્યાસક્રમોના કુલ ૧,૫૬૨ વિદ્યાર્થીઓને પદવી અને સુવર્ણ ચંદ્રકો એનાયત
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU) નો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
આ પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે વિવિધ અભ્યાસક્રમોના કુલ ૧,૫૬૨ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં ૧૨ વિદ્યાર્થીઓને ડોક્ટરેટ ઓફ ફિલોસોફી(PhD), એક વિદ્યાર્થીને ડોક્ટરેટ ઓફ લો (LLD)ની તેમજ અન્ય વિદ્યાર્થીઓને ડીપ્લોમાં, સ્નાતક, અનુસ્નાતક અને અનુસ્નાતક ડીપ્લોમાંની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિશ્રીના હસ્તે સુવર્ણ ચંદ્રક પણ એનાયત કરાયા હતા.
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ગાંધીનગર સ્થિત NFSU અર્થાત રાષ્ટ્રીય ન્યાયાલયિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના ત્રીજા દીક્ષાંત સમારોહમાં પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે પદવી પ્રાપ્ત કરવામાં સફળ થયેલા વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સંવેદનશીલ ન્યાય પ્રણાલી પર આધારિત વિકસિત ભારતના નિર્માણ માટે આપણે સૌ પ્રતિબદ્ધ બનીએ.
તેમણે જણાવ્યું હતું કે, અપરાધો પર નિયંત્રણ, અપરાધીઓમાં સજાનો ભય તેમજ નાગરિકોને ત્વરિત ન્યાય મળવાનો વિશ્વાસ હોય એ જ સુશાસનની સાચી ઓળખ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પદવીદાન સમારોહમાં યુવા છાત્રોને પ્રેરણા આપતા કહ્યું કે, વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગુજરાતમાં શરૂ કરાવવાના આગવા વિઝનથી આ સેક્ટરમાં યુવાશક્તિને નવા અવસરો અને નવી તકો આપી છે.
આ પ્રસંગે કેમ્પસ ડિરેક્ટર ડો. એસ. ઓ. જુનારે, રજીસ્ટ્રાર સી. ડી. જાડેજા, ઉચ્ચ ન્યાયાલયના વર્તમાન અને પૂર્વ ન્યાયાધીશો સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, NFSU બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્યઓ, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, તાઈવાન, રવાન્ડા, ઝીમ્બાબ્વે અને પોલેન્ડ સહિતના દેશોના મહાનુભાવો ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.