ગાંધીનગર: UCC ડ્રાફ્ટને કેબિનેટની મંજુરી, લગ્ન નોંધણી ફરજિયાત,લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે
રાજ્યમાં સમાન નાગરિક ધારો લાગુ કરવાની દિશામાં ગુજરાત રાજ્ય ઉત્તરાખંડ પછી બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. આ કાયદા સંદર્ભે ઘડવામાં આવેલી કમિટીએ પોતાનો રીપોર્ટ સુપરત કરી દીધા પછી મંત્રીમંડળની બેઠકમાં તેના ડ્રાફ્ટને મંજુરી આપી દેવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ ડ્રાફ્ટ બીલ હવે સરકાર મોટા ભાગે 24મીએ વિધાનસભા ગૃહમાં રજુ કરશે.
આ બિલમાં લગ્ન, છૂટાછેડા, લિવ-ઈન રિલેશનશિપ અને મિલકતના વારસાને લઈને ઘણા કડક અને સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે. જો આ બિલ કાયદો બનશે, તો લિવ-ઈનમાં રહેતા યુગલોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે, અને લગ્નના 1 વર્ષ સુધી કોઈપણ યુગલ છૂટાછેડાની અરજી નહીં કરી શકે. સૌથી મોટી અને રાહતની વાત એ છે કે અનુસૂચિત આદિજાતિ (ST) ને આ કાયદામાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે.
આ નવા UCC બિલમાં લિવ-ઈન રિલેશનશિપને લઈને ખૂબ જ કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. હવેથી લિવ-ઈનમાં રહેતા યુગલો માટે રજિસ્ટ્રેશન કરાવવું એકદમ ફરજિયાત બની જશે. યુગલે લિવ-ઈનમાં રહેવાનું શરૂ કર્યાની તારીખથી 1 મહિનાની અંદર જ તેની નોંધણી કરાવવી પડશે. જો કોઈ યુગલ 1 મહિનાથી વધુ સમય સુધી રજિસ્ટ્રેશન વગર લિવ-ઈનમાં રહેશે, તો કોર્ટ તેમને 3 મહિનાની જેલની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારી શકે છે. આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિ લિવ-ઈનમાં રહેવા બાબતે ખોટી વિગતો આપશે કે પછી છેતરપિંડીથી કોઈની સંમતિ મેળવશે, તો તેને 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. ટૂંકમાં, લિવ-ઈનના નિયમોનો ભંગ કરવા પર 3 માસથી લઈને 5 વર્ષ સુધીની સજાની સ્પષ્ટ જોગવાઈ છે.
લગ્ન અને છૂટાછેડા માટે પણ સ્થિતિ એકદમ સ્પષ્ટ કરી દેવામાં આવી છે. UCC લાગુ થતાં જ લગ્ન અને છૂટાછેડાની કાયદેસરની નોંધણી કરાવવી ફરજિયાત બની જશે. સૌથી મોટો નિયમ એ છે કે, લગ્ન કર્યાના 1 વર્ષ સુધી કોઈપણ પક્ષ છૂટાછેડા માટે અરજી કરી શકશે નહીં. છૂટાછેડાની નોંધણી પણ નિયમોનુસાર જ કરવાની રહેશે.
લગ્ન માટે કેટલીક ખાસ શરતો
- લગ્ન સમયે બંનેમાંથી ઓછામાં ઓછો એક વ્યક્તિ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
- લગ્ન કરનાર બંનેમાંથી કોઈનો પણ અગાઉનો જીવનસાથી જીવિત ન હોવો જોઈએ (એટલે કે બીજી પત્ની કે પતિ ન હોવા જોઈએ).
- લગ્ન માટે પુરુષની ઉંમર 21 વર્ષ અને મહિલાની ઉંમર 18 વર્ષ હોવી ફરજિયાત છે.
- બંનેમાંથી કોઈ એક વ્યક્તિના ધાર્મિક રીતિ-રિવાજ મુજબ લગ્ન થવા જરૂરી છે અને કોઈપણ પક્ષની માનસિક ક્ષમતા નબળી ન હોવી જોઈએ.
ભરણપોષણ અને મિલકતના વારસાના નવા નિયમો
છૂટાછેડાના કિસ્સામાં ભરણપોષણ નક્કી કરતી વખતે હવેથી અરજદારની પોતાની આવક પણ ધ્યાનમાં લેવામાં આવશે. કોર્ટ બંને પક્ષો (અરજદાર અને પ્રતિવાદી) ની આવક જોઈને જ માસિક રકમ ચૂકવવાનો આદેશ આપશે. પ્રતિવાદીને નોટિસ મળ્યાના 60 દિવસની અંદર આ માસિક રકમની બાબતનો નિકાલ કરવાનો રહેશે. વારસાગત મિલકતની વાત કરીએ તો, મૃતકના દરેક હયાત જીવનસાથી અને દરેક બાળકને મિલકતમાંથી એક-એક સરખો હિસ્સો મળશે. એટલું જ નહીં, માતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકને પણ મિલકતમાં કાયદેસરનો વારસદાર ગણવામાં આવશે.
