આજે ગણેશ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી. આજે દેશભરમાં ગણપતિજીના મંત્રોના પડઘા સંભળાશે. દર વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ ઉત્સવ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે ગણેશ ચતુર્થીથી જ શરૂ થાય છે અને અનંત ચતુર્દશી સુધી ચાલુ રહે છે. રાજકોટ, જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં દુંદાળા દેવની ભક્તિમાં લોકો લીન થાય છે ત્યારે જામનગરના સપડા ગામે ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જામનગરથી 21 કિલોમીટર દૂર કાલાવડ રોડ પર આવેલા વીજરખી બાદ આવતા સપડા ગામે ટેકરા પર શ્રી સિદ્ધિવિનાયક સપડેશ્વર ગણપતિનું મંદિર આવેલું છે. સિધ્ધિવિનાયક મંદિરે દેશ અંને વિદેશથી પણ ભક્તો આવે છે. ત્યારે આજે ગણેશ ચતુર્થીના અવસર પર મંદિરે ભક્તો ઉમટ્યા હતા અને દુંદાળા દેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
ગણેશજીનું આ મંદિર 500 વર્ષ જૂનું મંદિર હોવાથી તેનો અનેરો મહિમા છે. ત્યારે જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક ગણેશભક્તો પદયાત્રા કરીને પહોંચે છે. આરતીમાં જોડાઈને દર્શનનો લ્હાવો લેતા હોય છે. આ વખતે પણ શ્રધ્ધાળુઓ ગણેશ ભક્તોએ બહોળી સંખ્યામાં પદયાત્રા કરીને ભગવાન ગણેશજીના દર્શન કર્યા હતા.