રાજકોટના મોરબી રોડ પર ગમખ્વાર અકસ્માત: સ્કુલેથી ઘરે જતી વેળાએ કાળમુખા ટ્રકે હડફેટે લેતા શિક્ષિકાનું મોત
રાજકોટમાં સતત ત્રીજા દિવસ અકસ્માતની ઘટના સામે આવી છે.શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતા કાળમુખા ટ્રકે મોરબી રોડ જકાતનાકા પાસે એક્ટીવા લઈને જતા શિક્ષિકાને ઠોકરે લેતા તેણીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોટ નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી.અને ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ કરી છે.
વિગત મુજબ, મોરબી રોડ પર જુના જકાતનાકા પાસે આવેલ આર.કે. ડ્રીમ લેન્ડ રેસિડેન્સીમાં રહેતાં સ્નેહલબેન બ્રિજેશકુમાર પોપટ (ઉ.વ.42) રેલનગરમાં આવેલ કર્ણાવતી સ્કૂલમાં છેલ્લા ચાર વર્ષથી ઇંગ્લિશ વિષયના શિક્ષક તરીકે નોકરી કરતા હતાં.તેઓ ગઇકાલ સવારે કર્ણાવતી સ્કૂલે નોકરી પર ગયાં હતાં. જ્યાંથી સાડા બાર વાગ્યાની આસપાસ નોકરી પુરી કરી સ્કુલેથી પોતાના ઘરે જવા એક્ટિવા લઈ નીકળ્યાં હતાં. રસ્તામાં તેઓ મોરબી રોડ પર આવેલ પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા માટે ઊભાં રહ્યાં હતા.જે બાદ તેઓ ત્યાંથી નીકળી ઘર તરફ જઈ રહ્યા હતાં ત્યારે વેલનાથપરા નજીક પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે આવેલા કાળમુખા ટ્રકના ચાલકે શિક્ષિકાના એક્ટિવાને ઠોકર મારી હતી.અને શિક્ષિકાને ટ્રકના તોતિંગ વ્હીલ નીચે કચડી નાંખતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં બી. ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી ટ્રક ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.વધુમાં જાણવા મળ્યું હતું કે, મૃતક શિક્ષિકાના પતિ અનાજ કરીયાણાની દુકાન ચલાવે છે અને સંતાનમાં એક પુત્ર છે. જયારે એકના એક પુત્રએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
કોઠારીયા રોડ પર બાઈક પર જતા વેપારીનું અજાણ્યા વાહન ઠોકરે મોત

રાજકોટમાં કનૈયા ચોક પાસે કરિયાણાની દુકાન ધરાવતાં અને કોઠારિયા રોડ નંદા હોલ પાસે ભારતિનગરમાં રહેતાં વેપારી સોમવાર રાત્રીના પોતાનું બાઈક લઇને દુકાનેથી ઘરે આવતા હતા.ત્યારે બાઈકને અજાણ્યા વાહને હડફેટે લેતા તેમનું કરુણ મોત નીપજ્યું છે.
બનાવની વિગતો મુજબ કોઠારિયા રોડ નંદા હોલ પાસે ભારતિનગરમાં રહેતા દિલીપભાઈ ધીરુભાઈ રોકડ (ઉ.વ.43) નામનાં વેપારી સોમવાર રાત્રિના પોતાની કરિયાણાના દુકાનેથી ઘરે બાઈક લઈ પરત જતાં હતાં ત્યારે કોઠારિયા રોડ ફ્લોરેન્સ પાર્ટી પ્લોટ પાસે પહોંચતા અજાણ્યા વાહન ચાલકે તેમને ઠોકર મારી અક્સ્માત સર્જાયો હતો. જેથી વેપારીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું ટૂંકી સારવારમાં મોત નિપજતા આજીડેમ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.