આજથી રામકથાનું મંગલાચરણ : હૈયાનાં હેતથી પોથીયાત્રાનાં વધામણા, દરરોજ ૭ લાખ લોકો કથા શ્રવણ કરશે, 50 હજાર ભાવિકો મહાપ્રસાદ લેશે
સદભાવના વૃધ્ધાશ્રમનાં વડીલો-વૃક્ષોના લાભાર્થે
હૈયાનાં હેતથી પોથીયાત્રાનાં વધામણા
સત્ય, પ્રેમ અને કરૂણાની ગંગા વહેશે: `રામનામ’નો જયઘોષ ગુંજ્યો: રેસકોર્સમાં અયોધ્યાનગરી, દરરોજ ૭ લાખ લોકોનું કથા શ્રવણ; તમામ રસ્તાઓ રામકથા સ્થળ તરફ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કથાનું રસપાન કરશે
સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વૃધ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહયું છે તેમજ વૈશ્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વૃધ્ધાશ્રમ ઘ્વારા પૂ. મોરારી બાપુની વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે, રાજકોટમાં ૧૨ વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.
રામકથા તા. ૨૩ નવેમ્બરથી શરુ થઈને તા. ૧ ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ ૫૦ હજાર લોકો રામકથા શ્રવણપાન અને ભોજન– પ્રસાદનો લ્હાવો લેશે. વરિષ્ઠ મોરારીબાપુની સમગ્રપણે ૯૪૭મી રામકથા યોજાશે. આ રામકથા એ ધાર્મિક અને આધ્યાત્મિક અનુભવ આપવા માટેનું વિશેષ આયોજન છે. તેમજ કથા શ્રાવકોને કોઈપણ જાતની અગવડતા ન પડે તે રીતે કથા મંડપમાં પ્રવેશવા માટેના અલગ અલગ પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે.
વૈશ્વિક રામકથા પૂર્વે રાજકોટના રાજમાર્ગો પર મોરારી બાપુની ઉપસ્થિતિમાં નીકળી ભવ્ય પોથીયાત્રા
આ રામકથામાં પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપનાર અને ભારતીય કૃષિ સમગ્ર ગુજરાતભરમાં પ્રચાર–પ્રસાર કરનાર, ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી વૈશ્વિક રામકથા માનસ સદભાવનામાં હાજરી આપશે. આ તકે સદભાવના વૃધ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયાએ જણાવ્યું હતું કે, આ રામકથામાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજયપાલ આચાર્ય દેવવ્રતજી પધારવાના છે.
જયારે સંતો મહંતોમાં બાબા રામદેવ, અવધેશાનંજદી સહિતના પધારવાના છે. આ ઉપરાંત વિદેશથી પણ અનેક મહાનુભાવો પધારવાના છે. જેમાં અમેરિકા, લંડન, દુબઈ અને મસ્કત સહિતથી અમારા દાતાઓ અહીં રામકથાનો લાભ લેવા માટે આવવાના છે. રાજકોટ એ સેવાનું ધામ બને અને અહીં સદભાવના વૃધ્ધાશ્રમ પાંચ હજાર વડિલોને આશરો આપવારૂં સૌથી મોટું ભવન બની રહયું છે તે એક રેકોર્ડ છે. વૃધ્ધાશ્રમ નિર્માણ માટે દાતાઓ તરફથી સહયોગ મળી રહયો છે. રૂા. ૧ કરોડનું દાન આપનારા મોટી મોટી કંપનીઓના માલિકો પણ કથાના આયોજનમાં કાર્યકર્તા બનીને પોતાની સેવા આપી રહયા છે અને આ સત્કાર્યમાં સહભાગી થઈ રહયા છે.
ત્યારે રાજકોટના આંગણે રામકથારૂપી આ રૂડા અવસરને હરખભેર વધાવવા ધર્મપ્રેમીઓ ભાવિકોમાં અમિટ ઉત્સાહ જોવા મળી રહયો છે ત્યારે આ ધાર્મિકોત્સવને ભવ્યાતિભવ્ય રીતે સફળ બનાવવા આયોજકો, સ્વયંસેવકો ઘ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. ત્યારે શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે તા.૨૩ નવેમ્બર,શનીવારના રોજ સવારે ૮-૩૦ પોથીયાત્રા અને સાંજે ૪-૦૦થી કથાશ્રવણ પ્રારંભ થઈ તા.૨૪ નવેમ્બર થી તા.૧ ડિસેમ્બર રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૩૦ સુધી રામાયણ રૂપી જ્ઞાનગંગાનું પૂ. મોરારીબાપુ રસપાન કરાવશે. તો આ ભક્તિસભર રામકથા શ્રવણપાન નોલાભ લેવા દરેક ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ આપ્યુ છે.
કથા માટે આંખને ઉડીને વળગે તેવી વ્યવસ્થા
- ૧૨ વર્ષ બાદ પૂ. મોરારીબાપુની ૯૪૭મી રામકથા રાજકોટમાં.
- કથાનાં અનુદાનથી ૫૦૦૦ જેટલાં વડીલોનો નવો અદ્યતન વસવાટ બનશે.
- ૧૫૭ કરોડ વૃક્ષો દેશભરમાં વાવેલ.
- બે લાખ ચોરસફૂટ જગ્યામાં ત્રણ જર્મન ડોમ
- દરરોજ ૧ લાખ લોકો કથાનું રસપાન કરશે, ૫૦,૦૦૦ ભાવિકો મહાપ્રસાદ લેશે.
- ૧૫૦૦ કાર – ૧૫૦૦ વાહનોનાં પાર્કિંગની વ્યવસ્થા
- શહેરનાં તમામ રૂટ પર બસોની વ્યવસ્થા
- ૨૦૦ જેટલા રસોયા રસોઇ બનાવશે અને ૨૦૦ સ્વયંસેવકો પીરસવાની સેવા આપશે.
- રામભકતો માટે ગાદલા, તકિયા, ખુરશી અને પાણીની વ્યવસ્થા.
- કથા મંડપ વચ્ચે એલ.ઇ.ડી. સ્ક્રીન.
- ૩૦૦૦થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહેશે.
- સમગ્ર કથા મંડપને સીસીટીવી કેમેરા, હાઇ સિકયુરીટી, વિમા કવચ તથા ન્યુઝ ચેનલોમાં જીવંત પ્રસારણ કરાશે.
- રામકથામાં વ્યસન મુક્તિ અભિયાન પણ થશે, હજારો લોકો વ્યસન મુકત બનશે.
- ચક્ષુદાન, દેહદાન, અંગદાન, શાકાહાર, ગૌસેવા-જીવદયાનાં હજારો પત્રો લોકો ભરશે.