શાકમાર્કેટમાં વજનકાંટામાં ગોલમાલ : રાજકોટમાં ખોટા વજનકાંટાનો ધંધો કરતી પેઢી ઝડપાઈ, વાંચો સમગ્ર ઘટના
રાજકોટ શહેરની મોટાભાગની શાકમાર્કેટમાં લોકોને ખુલ્લેઆમ છેતરવામાં આવી રહ્યા હોવાની ખુદ ધારાસભ્યએ કરેલી ફરિયાદ બાદ તોલમાપ વિભાગે હરકતમાં આવી દરરોજ સાંજના સમયે અલગ-અલગ શાકમાર્કેટમાં ઘોંસ બોલાવતા શાકભાજીના ધંધાર્થીઓ અને ફેરિયાઓમાં ફફડાટ મચી ગયો છે. જેમાં 17 ફેરિયાઓ વજનકાંટા મૂકી નાસી જતા તોલમાપ વિભાગે ઊંડાણપૂર્વક તપાસ કરતા ખોટા વજનકાંટાનું મૂળ રાજકોટના હરિ ધવા રોડ ઉપર નીકળતા તોલમાપ વિભાગે દરોડો પાડી પેઢીના સંચાલકને અઢી લાખના વજનકાંટા સાથે ઝડપી લઈ કાયદેસસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો ?
રાજકોટ શહેરની જયુબેલી શાક માર્કેટ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારમાં આવેલ શાકમાર્કેટમાં ધંધો કરતા ફેરિયાઓ ગ્રાહકોને તોલમાં ઓછું વજન આપતા હોવાની ચોંકાવનારી ફરિયાદ ધારાસભ્ય દ્વારા કરવામાં આવતા રાજકોટ તોલમાપ કચેરીના નાયબ નિયંત્રક બી.ડી.ચૌહાણ અને તેમની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં સાંજના છ વાગ્યા પછી ચેકીંગ કરી જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન વજનકાંટામાં ગેરરીતિ મામલે 130 કેસ કરી 30 હજારથી વધુની દંડની વસુલાત કરી હતી.

કાનૂની તોલમાપ વિજ્ઞાન કચેરીએ 2.50 લાખના વજનકાંટા કર્યા જપ્ત
બીજી તરફ કાનૂની તોલમાપ વિજ્ઞાન કચેરીની આ ચેકીંગ ઝુંબેશ દરમિયાન સાંજના સમયે ચેકીં ગ કરતા 17 કિસ્સામાં ઓછું વજન આપતા શાકભાજીના ધંધાર્થીઓ અને ફૂટના વેપારીઓ વજનકાંટા મૂકીને નાસી ગયા હોવાથી આ તમામ વજનકાંટા જપ્ત કરી ઊંડાણપૂર્વક તપાસ કરતા ખોટા વજનના વજનકાંટા હરિ ધવા રોડ ઉપર આવેલ તીર્થ વજનકાંટા નામની પેઢી દ્વારા વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવતા તોલમાપ વિભાગે દરોડો પાડતા આ પેઢી પાસે કોઈ લાયસન્સ ન હોવા છતાં પણ ખોટા વજનકાંટા વેચતી હોવાનું સામે આવતા આ પેઢીમાં પડેલા 2,50,000 કિંમતના વજનકાંટા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.