- કોટક શેરીમાં 43 વર્ષીય મહિલાને કોલેરા થતા આસપાસના 2 કિલોમીટર વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરતા કલેકટર
રાજકોટ શહેરના સાંગણવા ચોક નજીક આવેલ કોટક શેરીમાં 43 વર્ષીય મહિલાને કોલેરા થતા રાજકોટમાં આ સીઝનમાં કોલેરાનો ચોથો કેસ સામે આવ્યો છે. કોલેરાનો એક કેસ સામે આવતા આજુબાજુના બે કિલોમીટરના આ વિસ્તારને જીલ્લા કલેકટર દ્વારા કોલેરા ભયગ્રસ્ત જાહેર કરી પ્રતિબંધાત્મક જાહેરનામું અમલી બનાવ્યું છે.
રાજકોટ જિલ્લામાં ઉપલેટામાં કોલેરાથી બાળકોના મૃત્યુ બાદ રાજકોટ શહેરના લોહાનગરમાં બે અને લક્ષ્મીવાડી વિસ્તારમાં એક કોલેરાનો કેસ નોંધાયા બાદ સાંગણવા ચોકમાં, કોટક શેરી, મારૂતી એપાર્ટમેન્ટમાં રહેતા 43 વર્ષીય મહિલાને કોલેરા થતા રાજકોટ જીલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા સાંગણવા ચોક અને તેની આજુબાજુના બે કિ.મી.ના વિસ્તારોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરતું જાહેરનામુ પ્રસિધ્ધ કરી દેવામાં આવેલ છે.
જે અંતર્ગત સાંગણવા ચોક અને તેની આજુબાજુના 2 કિ.મી.ના વિસ્તારમાં ખાણી પીણીની દુકાનો, લારીગલ્લા, સ્ટોલ, શેરડીના રસના ચીચોડા, ફળોના ટુકડા કરી તેનું વેચાણ કરવું તેમજ બરફ અને બરફમાંથી બનતી ચીજોના વેચાણ પર તા.29/10 સુધી પ્રતિબંધ ફરમાવી લોકોને ખાડા ખોદી પાણી નહીં મેળવવા તાકીદ કરવાની સાથે કલોરીનેશન કરાયા બાદ જ પાણીનો ઉપયોગ કરવા, ઉપરાંત ખાદ્ય પદાર્થના ધંધાર્થી અને વેપારીઓએ ફરસાણ, મીઠાઈ, ગોળ, ખજુર કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થો ખુલ્લા નહીં રાખવા માટે તાકીદ કરી દેવામાં આવી છે.