રાજકોટના અમીન માર્ગ કૉર્નર સહિત ચાર ‘મોંઘેરા’ પ્લોટની આજે હરાજી: 90 હજારથી લઈ બે લાખ સુધીની અપસેટ પ્રાઈસ
નવું નાણાકીય વર્ષ શરૂ થવા આડે હવે અઢી મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે ત્યારે આવક-જાવકનું સરવૈયું સરભર કરવા માટે મહાપાલિકા દ્વારા સોનાની લગડી જેવા સાત પ્લોટની હરાજી કરવાનું `મુહૂર્ત’ આખરે કાઢી લેવામાં આવ્યું હતું. ગત 19 ડિસેમ્બરે જ તંત્ર દ્વારા જમીન વેચાણ કરવાનું જાહેર કરી દીધા બાદ આજે અમીન માર્ગ કૉર્નર સહિત ચાર પ્લોટની હરાજી કરવામાં આવશે.
મહાપાલિકા દ્વારા કુલ સાત પૈકી ચાર પ્લોટની આજે શનિવારે તો બાકીના ત્રણ પ્લોટની સોમવારે હરાજી કરવામાં આવશે. આજે જે પ્લોટની હરાજી થવાની છે તેમાં રૈયા મેઈન રોડ પર સાવન સિગ્નેટ એપાર્ટમેન્ટની સામેનો પ્લોટ, અમીન માર્ગ-150 ફૂટ રિંગરોડ કોર્નર, મહાત્મા ગાંધી ટાઉનશિપ, ફિલ્ડ માર્શલ રોડ નજીક (150 ફૂટ રિંગરોડ) અને કલ્યાણમ પાર્ટી પ્લોટની સામે કે જે પ્લોટ એચસીજી હોસ્પિટલ રોડ પર આવેલો છે જેનું બપોરે 1થી ચાર વાગ્યા દરમિયાન ઈ-ઓક્શન કરવામાં આવશે. આ પ્લોટમાં સૌથી વધુ કિંમત અમીન માર્ગ કોર્નર પરના પ્લોટની છે. 4669 ચોરસમીટરનું ક્ષેત્રફળ ધરાવતા આ પ્લોટનું અપસેટ પ્રાઈસ બે લાખ રૂપિયા રાખવામાં આવી છે. જો કે આ કિંમત ઘણી વધુ હોય તંત્ર દ્વારા હરાજી માટે ટેન્ડર પ્રસિદ્ધ કરાયું ત્યારથી લઈ ટેન્ડર ભરવાની અંતિમ તારીખ સુધીમાં જૂજ લોકો જ રસ દાખવ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. હવે આજે જ્યારે પ્લોટની હરાજી થવાની છે ત્યારે આ પ્લોટસના કોઈ લેવાલ મળે છે કે કેમ તે જોવું પણ રસપ્રદ બની રહેશે.

જ્યારે તા.19 જાન્યુઆરીને સોમવારે અન્ય ત્રણ પ્લોટ જેમાં રાજકોટ-મોરબી રોડ પર પંચવટી સોસાયટી નજીકનો પ્લોટ, રાજકોટ-મોરબી રોડ પર પૂનમ હોલની સામેનો પ્લોટ અને સાધુ વાસવાણી કુંજ રોડ પર ભક્તિ પાર્ક સોસાયટી સામેના પ્લોટની હરાજી કરવામાં આવશે. એકંદરે સાતેય પ્લોટની કુલ કિંમત 360 કરોડ આસપાસની છે જેની સામે તંત્રને ઈ-ઓક્શન થકી 500 કરોડ ઉપજે તેવી શક્યતા સેવાઈ રહી છે.
