પ્રોફેસરોની જબરી ઘટ ! સૌરાષ્ટ્ર યુનીર્સીટીને અલીગઢીયા તાળા લાગશે ?
કુલપતિ, રજિસ્ટાર પણ ઇન્ચાર્જ : શૈક્ષણિક સ્ટાફની ૪૮%, વર્ગ-૨ ની ૪૨%, વર્ગ-૩ ના ૭૭%, અને બિનશૈક્ષણિક સ્ટાફ વર્ગ-૪ના ૮૦%, જગ્યાઓ ખાલી
કોંગ્રેસના પ્રવક્તાએ કરેલી આરટીઆઈમા થયા ચોકાવનારા ખુલાસા
સૌરાષ્ટ્ર : શિક્ષણધામને બદલે રાજકીય અખાડો બની ગયેલ સૌરાષ્ટ્રના ઘરેણાં સમાન સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો વહીવટ ખાડે ગયો છે ત્યારે કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે કરેલી એક આરટીઆઇમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં શૈક્ષણિક અને બિન શક્ષણિક સ્ટાફની મોટી ઘટ હોવાના ખુલાસા થયા છે, હાલમાં યુનિવર્સીટીમાં કુલપતિ, રજિસ્ટાર પણ ઇન્ચાર્જ હવાલે છે સાથે જ શૈક્ષણિક સ્ટાફની ૪૮%, વર્ગ-૨ ની ૪૨%, વર્ગ-૩ ના ૭૭%, અને બિનશૈક્ષણિક સ્ટાફ વર્ગ-૪ના ૮૦%, જગ્યાઓ ખાલી પડી હોય આવી જ સ્થિતિ રહેશે તો કોંગ્રેસ પ્રવક્તાએ યુનિવર્સીટીને અલીગઢીયા તાળા લાગી જવાની દહેશત વ્યક્ત કરી છે.
આરટીઆઇમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની પોળ છતી કરનાર રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, એક સમયે શૈક્ષિણિક બાબતોમાં સૌરાષ્ટ્રનુ હ્રદય ગણાતી રાજકોટ સ્થિત વર્ષો જૂની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 300થી વધુ એકરમા પથરાયેલ છે, વિશાળ કેમ્પસમા અલગ અલગ ભવનોમા અને તેને સલગ્ન કોલેજોમા અંદાજે 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને લાખો વિદ્યાર્થીઓએ અહી અભ્યાસ કરી ખૂબ ટોચના સ્થાને પહોંચ્યા છે. એક સમય હતો કે આ યુનિવર્સિટી A+ ગ્રેડ ધરાવતી હતી અને કેમ્પસના અમુક ભવનોનુ શિક્ષણ સમગ્ર દેશ કક્ષાએ એટલુ પ્રખ્યાત હતુ કે કેમ્પસના ભવનોમાં અભ્યાસ માટે પડાપડી થતી અને બીજી તરફ હાલની પરીસ્થિતિએ મોટાભાગના ભવનોમા સીટો સાવ ખાલીખમ પડી રહે છે તો અમુક રિસર્ચ ભવનોમા તાળા લાગ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી કાયમી કુલપતિ રાજ્યસરકાર નિમણુંક કરી શકતી નથી જેના કારણે અલગ અલગ કાર્યકારી કુલપતિઓની નિમણુંક કરીને બદલાવ્યા કરે છે. રાજ્યના શિક્ષણમંત્રી રાજકોટ જેટલી વાર આવે ત્યારે કુલપતિની નિમણૂકે મામલે તેઓનો જવાબ એક જ હોય છે કે મુખ્યમંત્રીના ટેબલ પર ફાઇલ પડી છે !. રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીઓમા કાયમી કુલપતિઓની નિમણુંક થઈ ગઈ છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા કેમ નથી કરતા તે પણ મોટો સવાલ છે.
હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા રજિસ્ટાર, ચીફ એકાઉન્ટ ઓફિસર, ચીફ એન્જિનિયર, ગ્રંથપાલ જેવી કલાસ-1 કક્ષાની અને યુનિવર્સિટીના વહિવટી બાબતોમા અતિ મહત્ત્વની ગણાતી જગ્યાઓ વર્ષોથી ખાલી છે અને હંગામી ધોરણે ઇન્ચાર્જથી ગાડુ ગબડાવાય રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વહિવટી વિભાગોમા અને તમામ ભવનોમાં વર્ગ-4 ની કુલ 58 મહેકમની સામે માત્ર 12 ભરાયેલ છે અને 46 જેટલી જગ્યાઓ ખાલી છે એટલે 80% જગ્યાઓ ખાલી છે. વર્ગ -3ની કુલ 117 મહેકમની સામે 27 ભરાયેલ છે અને 90 જેટલી જગ્યાઓ ખાલી છે એટલે 77% જગ્યાઓ ખાલી છે. વર્ગ-2 ની કુલ 31મહેકમની સામે 18 ભરાયેલ છે અને 13 જગ્યાઓ ખાલી છે એટલે 42% જગ્યાઓ ખાલી છે. આમ યુની.ના તમામ વહિવટી વિભાગોમાં હંગામી કર્મચારીઓથી વર્ષોથી ગાડુ ગબડાવાય રહ્યું છે. પરીક્ષા વિભાગ જેવા અતિ સર્વદેશીલ ગણાતા વિભાગમા મોટાભાગના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ છે ત્યારે ભૂતકાળમાં પણ અનેક ગેરપ્રવૃત્તિઓમા સંડોવાયેલ હંગામી કર્મચારીઓ પર કડક કાર્યાવહી થઈ શકી નથી. અ.
ચોંકાવનારી બાબત એ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં અલગ અલગ વિષયોના 28 જેટલા ભવનો આવેલ છે જેમાં હજારો વિધાર્થીઓ અનુસ્નાતક કોર્ષનો અભ્યાસ કરી રહ્યા છે. આ તમામ ભવનોમા શૈક્ષણિક સ્ટાફ એટલે કે અધ્યાપકોની કુલ 155 જેટલી મહેકમ સામે 87 ભરાયેલ છે અને 68 જેટલી જગ્યાઓ ખાલી છે એટલે કે 44% જગ્યાઓ ખાલી છે. થોડા વર્ષો પહેલા કેમ્પસના કેમેસ્ટ્રી,ફિઝિક્સ અને બાયોસાયન્સ ભવનોનુ શિક્ષણ સમગ્ર દેશ કક્ષાએ અવ્વલ નંબરે હતુ,અનેક સંશોધનો એ દેશ અને સમાજ ઉપયોગી થતા હતા અને આ વિદ્યાર્થીઓ દેશની અગ્રીમ સંસ્થાઓમાં ટોચના હોદા પર આજે બેઠા છે અને આ ભવનોમાં પ્રવેશ મેળવવા ભૂતકાળમા પડાપડી થતી હતી. હાલના સમયે મોટા ભાગના ભવનોમાં સીટો ખાલીખમ રહે છે કારણ કે કોઈ દાનતથી ભણાવનાર નથી રહ્યાં!
અંતમાં કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ હતુ કે સમગ્ર રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં આ કફોડી હાલત છે ત્યારે અમે આ ગંભીર બાબતે શિક્ષણમંત્રીને રજૂઆત કરવાના છીએ અને ટૂંક સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી બચાવો અભિયાન ચાલુ કરી રાજકીય-સામાજીક આગેવાનો, શિક્ષણવિદો, પત્રકારો,અધ્યાપકો, તમામ પક્ષના વિધાર્થીનેતાઓ સાથે સંકલન કરી આ કમિટી બનાવીને વિશ્વવિદ્યાલયને બચાવવા પ્રયાસો કરવામાં આવશે.