ફૂડ પોઇઝનિંગ કે પોઇઝનિંગ? ત્યક્તાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત,પોસ્ટમોર્ટમ વિના જ લાશ સોંપી દીધી!
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે તબીબોની ઉતાવળ અથવા તો જરૂર ન લાગી હોય તેમ મૃતદેહ સીધો પરિવારને જ સોંપી દેવાયાની અજીબોગરીબ કિસ્સો બની ગયો હતો. રૈયારોડ સ્લમ કવાર્ટરમાં રહેતી 24 વર્ષિય ત્યક્તાને ઝેરી અસર થતાં સારવારમાં સવારના સમયે સિવિલ હોસ્પિટલમાં લેવાઈ હતી જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. બે કલાકથી વધુ સમય હોસ્પિટલ બિછાને રહેલી ત્યક્તા સંદર્ભે પોલીસને જાણ કરાઈ ન હતી અને મૃત્યુ થયા બાદ પણ સિવિલ હોસ્પિટલના જવાબદાર તબીબો દ્વારા પોલીસને જાણ કરાઈ ન હતી અને પરિવાર મૃતદેહ લઈને નીકળી ગયો હતો. પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના લાશ સોંપી દેવાઈ અને પોલીસને પણ નોંધ ન કરાવાતા સમીસાંજ બાદ સિવિલ હોસ્પિટલના તબીબોમાં પણ કંઈક કાચું કપાયું હોય તેમ દોડધામ થઈ પડી હતી.
જાણવા મળ્યા મુજબ રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતી સલમા મહેબુબભાઈ ઠેબા (ઉ.વ.24)ને ઘરે ઉલટીઓ થતાં તબિયત લથડી હતી, તુરંત જ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં લવાઈ હતી. સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં એન્ટ્રીમાં 10-56માં સારવારમાં લવાયા બાદ બપોરે 1-15ના અરસામાં મૃત્યુ થયાની ડો. જ્યોતિએ જાહેરાત કરી હતી. મૃતક સલમાના ચાર વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને સંતાનમાં એક પુત્ર છે. થોડા વખતથી તે છૂટાછેડા લઈને પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી. સલમાના પિતા અયુબભાઈએ `વોઈસ ઓફ ડે’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે ઘરે ટીંડોળા-બટેટાનો સંભારો અને ખીચડી, રોટલી પોતે, પત્ની મુમતાઝ અને સલમાએ ખોરાકમાં લીધા હતા ત્યારબાદ રાત્રે પત્ની મુમતાઝને ઉલટી થઈ હતી અને મને (અયુબભાઈ)ને પણ બે વાર ઉલટી થઈ હતી.
આ પણ વાંચો :રાજકોટમાં વિસ્તાર ફરે એટલે સ્પીડબ્રેકરની સાઈઝ પણ ફરી જાય! પોલિસીનો ખુલ્લેઆમ ઉલાળિયો, જાણો કયા વોર્ડમાં કેટલા સ્પીડબ્રેકર
આજે સવારે નવેક વાગ્યે સલમાને ચાર વખત ઉલટી થઈ હતી અને તબિયત લથડી પડતા ઘર નજીક ખાનગી હોસ્પિટલે લઈ જવાઈ હતી અને ત્યાંથી સિવિલ હોસ્પિટલે લઈ જવાનું કહેતા સિવિલમાં લાવ્યા હતા. મૃત્યુ થયા બાદ તબીબોએ મૃતદેહ સોંપી દેતા વિધિ માટે લઈ ગયા હોવાનું જણાવ્યું હતું. 24 વર્ષિય યુવતીનું ફૂડ પોઈઝનિંગથી મૃત્યુ થયું કે કેમ ? તે બાબતે તબીબો દ્વારા તપાસ માટે પોસ્ટમોર્ટમ કરાવાયું ન હતું કે પોલીસને પણ જાણ કરવામાં આવી ન હતી. મૃતદેહ લઈ ગયાના કલાકો બાદ સિવિલ હોસ્પિટલમાંથી બનાવ સંદર્ભે પોલીસને જાણ કરવા માટે દોડધામ આદરવામાં આવી હતી. હાલના તબક્કે તો ખોરાકની ઝેરી અસરથી મૃત્યુ થયું હોવાનું માનવું પડે. જો પોસ્ટમોર્ટમ થયું હોત તો મૃતદેહ અંગેનું સ્પષ્ટ કારણ બહાર આવી શકત.
સિવિલના તબીબોના ઘટના સંદર્ભે મતમતાંરભર્યા કથન!
સિવિલ હોસ્પિટલમાં ફૂડ પોઈઝનિંગ કે આવા કોઈ બનાવમાં દર્દી સારવારમાં આવે તો પોલીસ ચોપડે નોંધ ધરાવાતી હોય છે. આ ઘટનામાં બે-બે કલાક સુધી ઈમરજન્સી વિભાગમાંથી સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધ ન કરાવાઈ અને મૃત્યુ બાદ પણ જાણ ન કરાઈ જે તબીબોની કે ઈમરજન્સીના જવાબદાર કર્મચારીઓની બેજવાબદારી કહેવાય કે અન્ય કંઈ ? તબીબોના અલગ મતમતાંરભર્યા કથન રહ્યા હતા જેમાં ડો.સાગરે એવું કહ્યું કે, દર્દીને પૂછયું હતું કે ઝેરી દવા પીધી છે ? સગાને પણ પૂછયું હતું પણ ના પાડી હતી. કોઈ એવી શંકા દેખાઈ ન હતી. જ્યારે ડો.આશકાના જણાવ્યા મુજબ દર્દીના સગાએ જ પીએમ કરાવવાની ના કહીને મૃતદેહ ઘરે લઈ ગયા હતા. શરીરમાં ચેપ ફેલાયેલો હતો અને બી.પી. ડાઉન હતું. એમએલસી ન કરાવવા બાબતે ડો.આશકાના કથન મુજબ છેલ્લા ચાર માસથી એમએલસીના નિયમ બદલી ગયા છે જેથી શંકાસ્પદ ન લાગતા એમએલસી ન કરાવી. કોઝઓફ ડેથ બાબતે કંઈ ન કહી શકાય તેવું રટણ કર્યું હતુ.
