“ફલોટેલ “દ્વારકામાં રાજ્યનું પ્રથમ ક્રુઝ રેસ્ટોરન્ટ શરૂ : દરિયામાં ફરવાની મજા સાથે ફક્ત આટલા રૂપિયામાં માણો ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા
1600 કિલોમીટરનો વિશાળ દરિયાકાંઠો ધરાવતા ગુજરાતમાં હજુ પણ ક્રુઝ સર્વિસ માત્ર સ્વપ્ન સમાન છે ત્યારે દ્વારકા જતા સહેલાણીઓ માટે ડીવીએસ ગ્લોબલ ગ્રુપ દ્વારા ઓખા પેસેન્જર જેટીથી બેટ દ્વારકા વચ્ચેના દરિયામાં તરતું રાજ્યનું પહેલું કહી શકાય તેવું ફલોટેલ નામનું ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવ્યું છે. મોટેરાઓ માટે ફક્ત રૂપિયા 599 અને બાળકો માટે ફક્ત રૂપિયા 400માં એકથી સવા કલાક સુધી દરિયામાં મુસાફરી સાથે સ્વીટ્સ, સ્નેક્સ સાથે ગુજરાતી, પંજાબી, ચાઈનીઝ, કોન્ટિનેન્ટલ ફૂડ તેમજ અન્ય ફૂડ ઓફર કરવામા આવે છે. ટૂંક સમયમાં જ આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ બેટ દ્વારકાથી કચ્છના માંડવી વચ્ચેનો પ્રવાસ પણ કરાવશે.

દેશભરમાંથી રાજાધિરાજ દ્વારકાધીશના દર્શને આવતા સહેલાણીઓ માટે શિવરાજપુર બીચ, આઇકોનિક બેટ દ્વારકા બ્રિજ બાદ વધુ એક નજરાણું સોમવારથી શરૂ થયું છે. દ્વારકાના ડીવીએસ ગ્લોબલ ગ્રુપ દ્વારા ઓખા પેસેન્જર જેટીથી બેટ દ્વારકા વચ્ચેના દરિયામાં તરતું રાજ્યનું પહેલું કહી શકાય તેવું ફલોટેલ નામનું ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં આ ફોલ્ટિંગ ફલોટેલ રેસ્ટોરન્ટ ઓખા જૂની જેટીથી બેટ દ્વારકા વિસ્તારમાં સહેલાણીઓને દરિયામાં સહેલગાહ કરાવવાની સાથે મનપસંદ ભોજન ઓફર કરી રહ્યું છે.
આ પણ વાંચો : બહેનપણીના જન્મ દિવસમાં જાવ છું…ખોટું બોલીને બહાર ગયેલી સગીરાને માતાનો ઠપકો માઠો લાગતાં કર્યો આપઘાત

ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ફલોટેલ અંગે ભગીરથ બારાઇએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં દરિયામાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટનો આ પ્રથમ પ્રયોગ છે, 162 લોકોની ક્ષમતા ધરાવતા ફલોટેલ રેસ્ટોરન્ટમાં આવતા એડલ્ટ ગ્રાહકો માટે 599 અને કિડ્સ માટે 399 ચાર્જ રાખવામાં આવ્યો છે જેમાં એન્ટ્રી સાથે એક પાણીની બોટલ, જ્યૂસ, સ્વીટ્સ, સ્નેક્સ કોમ્પ્લીમેન્ટરી આપવામાં આવશે. સાથે જ ક્રુઝ ઉપર ગ્રાહકોને એકથી સવા કલાક સુધીનો સમય પસાર કરવા મળશે. વધુમાં તેઓ ઉમેરે છે છે, આગામી ટૂંક સમયમાં જ ફલોટેલ રેસ્ટોરન્ટ અઠવાડિયામાં બે વખત ઓખાથી માંડવી સુધીની સફર પણ સહેલાણીઓને કરાવશે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજ્યમાં અમદાવાદ સાબરમતી રિવર તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ છે પરંતુ દરિયામાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પહેલી વાર ઓખાથી શરૂ થઇ રહ્યું છે. હાલમાં ફલોટેલ ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં આવતા ગ્રાહકો માટે લક્ઝુરિયસ ડાઇનિંગ કેફેમાં ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, ફાસ્ટફૂડ, વિવિધ ચાટ તેમજ અન્ય વાનગીઓ પીરસવાની સાથે દરિયાની સહેલગાહ કરાવશે અને આગામી સમયમાં આ ક્રુઝ રેસ્ટોરન્ટમાં કચ્છના માંડવી સુધીની મુસાફરી પણ કરી શકાશે.
