રાજકોટમાં મનપા હસ્તકનો પહેલો પાર્ટીપ્લોટ કાલાવડ રોડ પર નિર્માણ પામશે : 1500 લોકોનો થઈ શકશે સમાવેશ,જાણો બીજી સુવિધા વિશે
- ૧૪૧ ફોર-વ્હીલર, ૪૦૦ ટુ-વ્હીલરનું પાર્કિંગ: વર-વધૂના રૂમ, રસોડું, સ્ટેજ સહિતની સુવિધા અપાશે
- આઠ મહિનામાં કામ પૂર્ણ કરાશે: રાજકોટમાં મનપા હસ્તકનો પહેલો પાર્ટીપ્લોટ નિર્માણ પામશે
લગ્નસરાની સીઝન શરૂ થઈ ચૂકી છે અને આ વર્ષે હજારોની સંખ્યામાં લગ્નપ્રસંગ યોજાવાના છે ત્યારે દરેક પરિવારની સૌથી મોટી ચિંતા પ્રસંગ માટે કોમ્યુનિટી હોલ અને પાર્ટીપ્લોટ મળી રહે તે માટેની રહેતી હોય છે. જો કે આ વર્ષે નહીં બલ્કે આવતાં વર્ષથી લોકોને અન્ય પાર્ટીપ્લોટની તુલનાએ ઓછા દરે પાર્ટીપ્લોટ મળી રહે તે માટે મહાપાલિકા દ્વારા કાલાવડ રોડ ઉપર એક જ સમયે ૧૫૦૦ લોકો સામેલ થઈ શકે તેવો પાર્ટીપ્લોટ બનાવવાનું કાર્ય ગતિમાન કરી દેવામાં આવ્યું છે. આ માટેનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવાયું છે.
૨૦૨૪-૨૫ના મહાપાલિકાના બજેટમાં શહેરના ત્રણેય ઝોનમાં એક-એક પાર્ટીપ્લોટ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી જેના અનુસંધાને શહેરનો પ્રથમ પાર્ટીપ્લોટ વોર્ડ નં.૧૧માં કાલાવડ રોડ પર લક્ષ્મીના ઢોળાને અડીને તેમજ સરિતા વિહારથી ગ્રેસ કોલેજ થઈને જઈ શકાય ત્યાંના ૧૧૦૦૦ ચોરસમીટર ક્ષેત્રફળ ધરાવતાં પ્લોટમાં પાર્ટીપ્લોટનું નિર્માણ કરવામાં આવશે.
આ પાર્ટીપ્લોટમાં ૧૪૧ ફોર-વ્હીલર અને ૪૦૦ ટુ-વ્હીલર પાર્કિંગ થઈ શકે તેવી સુવિધા આપવામાં આવશે. આ ઉપરાંત વર-વધૂને તૈયાર થવા માટેનો રૂમ તેમજ રસોડું, સ્ટેજ સહિતની સવલત પણ અપાશે. આ પ્લોટ માટેનું ટેન્ડર પ્રસિદ્ધ થઈ ગયું છે જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામ શરૂ કરાશે અને આઠ મહિનાની અંદર તેને પૂર્ણ કરવાની શરત નક્કી કરવામાં આવી છે. આ પ્લોટનું નિર્માણ થઈ ગયા બાદ તેનું સંચાલન મહાપાલિકા હસ્તક રાખવું કે પછી કોઈ ખાનગી સંસ્થાને આપી દેવું તેનો નિર્ણય લેવાશે.
અહીં પાર્ટીપ્લોટ નિર્માણ થઈ ગયા બાદ બાકીના બન્ને ઝોનમાં પણ આવો જ પાર્ટીપ્લોટ તૈયાર કરવામાં આવશે જે અંગેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ પર લેવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.