રાજકોટમાં અગનવર્ષા : હીટવેવને કારણે જરૂર પડ્યે શાળાઓનો સમય બદલાશે : કલેકટર પ્રભવ જોશીનું નિવેદન
રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરમાં એપ્રિલ માસની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમી પડવાનું શરૂ થયું છે સાથે જ રાજકોટ જિલ્લામાં હીટવેવનું યલો અને ઓરેન્જ એલર્ટ પણ અપાયું હોય જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જરૂર પડયે રાજકોટ શહેર-જિલ્લામાં શાળાઓના સમય પત્રકમાં ફેરફાર કરવાની સાથે બાંધકામ સાઈટ ઉપર કામ કરતા શ્રમિકો પાસે બપોરે કામ ન લેવા પણ સૂચના આપવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં સૂર્ય દેવતા કોપાયમાન થયા હોય તેવા અણસાર વચ્ચે ગરમીનો પારો 42થી 43 ડિગ્રી સુધી પહોંચી જતા બપોરના સમયે જાહેર માર્ગો સુમસામ ભાસી રહ્યા છે. આકરા તાપને કારણે ડીહાઇડ્રેશનના બનાવ પણ વધ્યા છે ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગે હીટવેવનું યલો તેમજ ઓરેન્જ એલર્ટ આપ્યું હોય નાગરિકોને જરૂરત વગર બહાર ન નીકળવા તેમજ પૂરતા પ્રમાણમાં પાણી, ઓઆરએસ, પ્રવાહી લેવા અનુરોધ કર્યો હતો.
વધુમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, હીટવેવ એલર્ટને પગલે આરોગ્ય વિભાગ અને ડિઝાસ્ટર મેન્જમેન્ટ દ્વારા એડવાઈઝરી જારી કરી જરૂર જણાયે શહેર-જિલ્લામાં શાળાઓના સમય પત્રકમાં ફેરફાર કરવાની સાથે ખાસ કરીને બાંધકામ સાઈટ ઉપર કામ કરતા શ્રમિકો પાસે બપોરના સમયે કામ ન લેવા અંગેની પણ સૂચના આપવામાં આવશે.નોંધનીય છે કે, રાજકોટ જિલ્લા માટે રવિવારથી ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું હોય મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થાય તેવા સંકેતો હવામાન વિભાગે આપ્યા છે.