અગ્નિકાંડ ઈફેક્ટ : રાજકોટમાં ફટાકડાના સ્ટોલમાં અડધોઅડધ ઘટાડો ; ‘અઘરા’ નિયમોને કારણે અનેકે ધંધો કરવાનું માંડી વાળ્યું
દિવાળી આડે હવે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે રાજકોટ શહેરમાં ઠેકઠેકાણે ફટાકડા વેચાણના સ્ટોલ શરૂ થઈ ચૂક્યો છે. જો કે આ વર્ષે પાછલા વર્ષોની તુલનાએ સ્ટોલની સંખ્યામાં અડધોઅડધ ઘટાડો થઈ જવા પામ્યો છે જેના પાછળ અનેક કારણો જવાબદાર છે. મહાપાલિકાના ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે આ વખતે અલગ-અલગ વિસ્તારના મળી ફટાકડાના નાના-મોટા ૪૦૮ સ્ટોલ થયા છે જેમાંથી લગભગ તમામને ફાયર એનઓસી ઈશ્યુ કરી દેવામાં આવ્યું છે.
શહેરમાં દર વર્ષે ફટાકડાના અંદાજે ૧૦૦૦થી વધુ સ્ટોલ થતાં હોય છે અને ત્યાંથી ૧૦૦ રૂપિયાથી માંડી ૧૦,૦૦૦ સુધીના ફટાકડાની ખરીદી થતી હોય છે. જો કે ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ સરકારના આદેશથી મહાપાલિકા દ્વારા ફટાકડાના સ્ટોલને લઈને નિયમો આકરાં બનાવી દેવામાં આવ્યા હોવાથી તેના કારણે પણ સ્ટોલની સંખ્યામાં ઘટાડો થયો છે. આ ઉપરાંત વરસાદ આવવાની ભીતિ તેમજ પૂરતી ઘરાકી નહીં મળવાની શક્યતાને પગલે વેપારીઓએ આ વર્ષે ફટાકડાના સ્ટોલ કરવાનું માંડી વાળ્યું છે.
આ સિવાય ફટાકડાની કિંમતમાં પણ થયેલો વધારો જવાબદાર છે કેમ કે વધેલા ભાવને કારણે લોકો દ્વારા ફટાકડાની ખરીદીમાં નોંધપાત્ર કાપ મુકવામાં આવ્યો છે સાથે સાથે ચાર દિવસની રજા હોવાને કારણે મહત્તમ પરિવારો ફરવા ઉપડી જવાના હોવાથી ફટાકડા ફોડવાનું જ માંડી વાળ્યું છે.