રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટના સ્થળે જ ફાયરસ્ટેશન ઉભું કરાશે: 100 જવાનો,8 ફાઇટર સાથે રહેશે તૈનાત,દરેક ડોમમાં સાધનો ફિટ કરવાનું શરૂ
આગામી તા.10થી 13 જાન્યુઆરી દરમિયાન રાજકોટના કૂવાડવા રોડ પર મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ સમિટનું આયોજન થવાનું છે તેને લઈને રવિવારે પણ તડામાર તૈયારીઓ ચાલી રહ્યાનું જોવા મળ્યું હતું. આ કાર્યક્રમના આયોજન માટે દરેક તંત્રના અધિકારીઓની અલગ-અલગ કમિટી બનાવી જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે ત્યારે મહાપાલિકાના ફાયર વિભાગને પણ સૌથી મહત્ત્વની કહી શકાય તેવી આગ સહિતના બનાવ સામે લડવાની કામગીરી સોંપવામાં આવી છે. ખાસ કરીને વાઇબ્રન્ટ સમિટમાં આગ લાગે તો બીજી જ મિનિટે ફાયરસ્ટાફ એક્ટિવ થઈ જાય તેવી તૈયારી કરી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર વિભાગમાં ધરમૂળથી સુધારા કરવામાં આવ્યા છે સાથે સાથે વાઇબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશથી મહેમાનો આવી રહ્યા હોય કોઈ પ્રકારની કચાશ ન રહી જાય તેનું ખાસ ધ્યાન તંત્ર દ્વારા રાખવામાં આવી રહ્યું છે.
આ અંગે ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું કે સ્થળ પર અલાયદું ફાયર સ્ટેશન ઉભું કરવામાં આવશે જ્યાં 4500 લીટરથી લઈ 12 હજાર લીટર સુધીના આઠ ફાયર ફાઈટર તૈનાત રાખવામાં આવશે. આ ઉપરાંત 100થી વધુ જવાનો કાર્યરત રહેશે. મહાપાલિકા દ્વારા તાજેતરમાં જ પાંચ નવા ફાયર ફાઈટર ખરીદવામાં આવ્યા હતા જે મળી ગયા છે અને બે-ત્રણ દિવસમાં જ તેના પાસિંગ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી તેને `સેવા’માં મુકી દેવામાં આવશે. જો કે મહાનુભાવો જેમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતના ઝેડ પ્લસ સિક્યોરિટી ધરાવતા નેતાઓના કૉન્વોય (કારના કાફલા)માં મુકવા માટે ફાયર ફાઈટર ઉપલબ્ધ ન હોવાથી જામનગર, મોરબી સહિતના ફાયર વિભાગ પાસેથી `ઉછીના’ લેવામાં આવશે.
બીજી બાજુ ફાયર વિભાગ પાસે 450થી વધુનો તાલીમી સ્ટાફ હોવાથી અન્ય શહેરો પાસેથી સ્ટાફ લેવામાં આવશે નહીં. આ ઉપરાંત સમિટમાં અલગ-અલગ વિશાળકાય ડોમ ઉભા કરવામાં આવી રહ્યા હોવાથી ત્યાં અત્યારથી જ ફાયરસેફ્ટીના સાધનો લગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ માટે નાનામાં નાનું અને મોટામાં મોટું સાધન ઉપલબ્ધ રહે તેની કવાયત ચાલી રહી છે. આયોજકોને કામચલાઉ ધોરણે ફાયર સેફ્ટીના સાધનો આપવામાં આવશે અને ત્યારબાદ એનઓસી પણ ઈશ્યુ કરવામાં આવશે.
શહેરમાં સ્થિતિ ન બગડે તેનું પણ ધ્યાન રખાયું
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ સમિટમાં પૂરતી સંખ્યામાં ફાયર ફાઈટર અને સ્ટાફ તૈનાત રહેશે સાથે સાથે શહેરમાં કોઈ સ્થળે આગ લાગે ત્યારે પૂરતી સંખ્યામાં સ્ટાફ અને સાધન ઉપલબ્ધ રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. શહેરના દરેક ફાયર સ્ટેશન પરથી સ્ટાફ લેવામાં આવ્યો ત્યારે બેલેન્સ જાળવવામાં આવ્યું છે જેથી વાયબ્રન્ટ સમિટ અને શહેર બન્ને સચવાઈ જાય. આ ઉપરાંત ફાયર ફાઈટર પણ દરેક ફાયર સ્ટેશન ઉપર ઉપલબ્ધ રહેશે જેથી શહેરમાં કોઇ ઇમરજન્સી સર્જાય તો તેને પહોંચી શકાય.
ફાયરનો સ્ટાફ અગાઉ વાયબ્રન્ટમાં ફરજ બજાવી ચૂક્યો છે
રાજકોટ ફાયર બ્રિગેડનો સ્ટાફ અગાઉ અમદાવાદ ખાતે આ પ્રકારે સમિટ યોજાતું ત્યારે ત્યાં ફરજ બજાવી ચૂક્યો હોય તેને વાઇબ્રન્ટ સમિટનો ખાસ્સો અનુભવ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વળી, તમામ સ્ટાફ તાલીમથી પણ સજ્જ હોવાને કારણે કોઈ પણ કપરી સ્થિતિ સામે એલર્ટ મોડ ઉપર જ રહેશે. ખાસ કરીને આગ સહિતનો કોઈ બનાવ બને અને ફાયરને કોલ મળ્યા બાદ ફાઈટર સાથે સ્ટાફ સ્થળ ઉપર પહોંચે ત્યાં સુધીમાં સમય પસાર થઈ જાય તેમ હોવાથી જ વાઇબ્રન્ટ સમિટના સ્થળ ઉપર અલાયદું ફાયર સ્ટેશન ઉભું કરવામાં આવ્યું છે.
