રાજકોટના દિવાનપરામાં આગ લાગવાનો મામલો: આગ લાગી ત્યારે કારીગરે કપડાં પહેરવામાં વાર લગાડતાં જિંદગી ગુમાવવી પડી!
રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકા તંત્રને ક્યારેય ન સુકાય તેવા છાંટા ઉડ્યા હતા. આ પછી તંત્ર સુધરશે તેવું સૌ કોઈને લાગી રહ્યું હતું પરંતુ ત્યાં જ 150 ફૂટ રિંગરોડ પર બિગબજાર પાસે આવેલા એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળતા ત્રણ લોકો ભુંજાઈ ગયા હતા. અહીં પણ અનેક બેદરકારી સામે આવી હતી આમ છતાં તંત્રએ તેના પરથી ઘડો ન લેતા બેદરકારીની વધુ એક આગ ફાટી નીકળી હતી જેમાં એક નિર્દોષ યુવક ભુંજાઈ ગયો હતો તો બે યુવક દાઝી જતા હજુ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ! જો કે જે યુવક મોતને ભેટ્યો તેણે કપડાં પહેરવામાં વાર લગાડતાં જિંદગી ગુમાવવી પડી હતી.

શહેરના વોર્ડ નં.7માં આવેલા દિવાનપરા શેરી નં.10માં આવેલા શ્રી હરિ કોમ્પલેક્સમાં આગ લાગ્યાનો કોલ ફાયર બ્રિગેડને રાત્રે 1:20 વાગ્યે મળતા કનક રોડ ફાયર સ્ટેશનથી મિનિ ફાયર ફાઈટર સ્થળ ઉપર પહોંચી ગયો હતો. આ આગ શ્રી હરિ કોમ્પલેક્સની અગાસી પર બનાવેલા ડોમમાં લાગી હતી જ્યાં કારીગરો ચાંદીનું બફિંગકામ કરી રહ્યા હતા. આ બફ મશીન વધુ પડતું ગરમ થઈ જવાનેકારણે આગ લાગી હોવાનું તેના માલિક ચંદ્રેશ મહેન્દ્રભાઈ પાટડિયાએ જણાવ્યું હતું.

જોતજોતામાં આગે ભયંકર સ્વરૂપ ધારણ લેતા આખો ડોમ સળગી ગયો હતો. વળી, ડોમના ઉપરના ભાગે સોલાર પેનલ ફિટ કરી હતી. ડોમની અંદર એલપીજીના ચાર સિલીન્ડર પણ રાખવામાં આવ્યા હતા તેમાંથી એક સિલીન્ડર તેમજ એ.સી.ના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગ વિકરાળ બની જવા પામી હતી જેથી બેડીપરા, કનક રોડ, કાલાવડ રોડ ફાયર સ્ટેશન પરથી વધુ પાંચ ફાયર ફાઈટરની મદદ લઈને બે કલાક બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો. આ આગમાં બે દિવસ પહેલાં જ ચંદ્રેશ પાટડિયાને ત્યાં નોકરી પર આવેલો પલાસ પ્રધુમન નિયોગી (ઉ.વ.48) ગંભીર રીતે દાઝી જતાં મોતને ભેટ્યો હતો. જ્યારે મસુદ સાઈનલ મીત (ઉ.વ.29) સહિત બે કારીગર ગંભીર રીતે દાઝી જતાં તેમને હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે મૃતક પલાસને ડાયાબિટીસની બીમારી હોય તે દવા પીને સૂઈ ગયો હતો.
આ પણ વાંચો :502 દિવસ બાદ એમ.ડી.સાગઠિયા જેલમુક્ત : જેલવાસ બાદ પહેલી દિવાળી પરિવાર સાથે ઉજવશે

જ્યારે અન્ય કારીગરો કામ કરી રહ્યા હતા. આગ લાગ્યા. બાદ અન્ય કારીગરોએ પલાસને ઉંઘમાંથી જગાડી બહાર નીકળવા માટે કહ્યું હતું પરંતુ પલાસને બહાર નીકળવા માટે કપડાં પહેરવામાં વાર લાગી. જતાં આગની ઝપટમાં આવી ગયો હતો.આ_ અંગે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેને_ પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે શ્રી હરિ કોમ્પલેક્સને ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસી ઈશ્યુ કરવામાં આવ્યું નથી અને કોમ્પલેક્સ દ્વારા ક્યારેય એનઓસી માંગવામાં આવ્યું જ નથી. !

અહીં ક્યાંય ફાયર સેફ્ટીના સાધનો પણ જોવા મળ્યા ન્હોતા. એનઓસી ન્હોતું તો પછી ફાયર વિભાગે ક્યારેય ચેકિંગ કર્યું ખરું ? આ સવાલનો તેમણે એવો જવાબ આપ્યો હતો કે આ વિસ્તારોમાં ચેકિંગ કરવા બહુ ઓછું જવાનું થયું છે અને ચેકિંગ માટે પૂરતો સ્ટાફ પણ ઉપલબ્ધ નથી !!જ્યારે ટાઉન પ્લાનિંગ ઓફિસર કિરણ સુમરાએ જણાવ્યું હતું કે શ્રી હરિ કોમ્પલેક્સને_ દસ વર્ષ પહેલાં કમ્પલીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. જો કે અત્રે એ પ્રશ્ન મહત્ત્વનો છે કે દસ વર્ષ પહેલાં કમ્પલીશન સર્ટિ. અપાયું હોય તો. શેરીની પહોળાઈને ધ્યાનમાં રાખી અહીં વધુમાં વધુ ત્રણ માળના બિલ્ડિંગને જ મંજૂરી મળી શકે પરંતુ શ્રી હરિ કોમ્પલેક્સ પાંચ માળનું છે. આટલું ઓછું હોય તેમ અગાશી ઉપર પતરાનો ડોમ બનાવી તેમાં ચાંદીકામ પણ શરૂ કરી દેવાયું હતું!
