જ્યાં હજારો દર્દીઓ સારવાર માટે જાય છે તે સિવિલ હોસ્પિટલમાં મુકાયેલું એક એ.સી.અચાનક જ ભડભડ સળગી ઉઠતાં થોડો સમય માટે સ્ટાફ તેમજ હાજર દર્દીઓ અને તેમના પરિવારજનોમાં નાસભાગ મચી જવા પામી હતી. જો કે ફાયરબ્રિગેડ સ્ટાફે સમયસર દોડી જઈને આગ કાબૂમાં લઈ લેતાં મોટી દૂર્ઘટના ટળી હતી. હજુ શુક્રવારે જ અહીંના સ્ટાફને આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું તેની તાલીમ આપવામાં આવી હોવાથી તે તાલીમના આધારે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં સ્ટાફે આગ ઓલવવા મથામણ કરી લીધી હતી.
ફાયરવિભાગના જણાવ્યા પ્રમાણે સિવિલ હોસ્પિટલનું ઓપીડી બિલ્ડિંગ કે જ્યાં દર્દીઓ કેસ કઢાવીને સારવાર મેળવવા માટે અલગ-અલગ રૂમમાં જતા હોય છે તે બિલ્ડિંગના બીજા માળે ૨૫-પી નંબરની ઓપીડી કે જેને માનસિક વિભાગ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં મુકાયેલા એ.સી.માં આગ લાગી હોવાનો કોલ મળતાં જ તાત્કાલિક સ્ટાફે દોડી જઈને આગ કાબૂમાં લઈ લીધી હતી. જો કે આગને કારણે ધૂમાડો ફેલાઈ જતાં તેના નિકાલ માટે બારીના કાચ ફોડી નખાયા હતા.
દરમિયાન શનિવાર હોવાથી માનસિક વિભાગમાં કોઈ દર્દી કે ડૉક્ટર હાજર ન હોવાને કારણે મોટી દૂર્ઘટના બનતા અટકી હતી. આગને કારણે એ.સી.સળગી ગયું હતું જ્યારે બાકીની કોઈ મોટી નુકસાની થયાનું ધ્યાન પર આવ્યું ન્હોતું. આ આગ કયા કારણથી લાગી તે સામે આવ્યું નથી.
Related Posts
હવે હડતાલી ડોકટરોને કાયદાનું ઇન્જેકશન લાગશે ?
7 મહિના પહેલા