રાજકોટના વર્ધમાનનગરમાં મનમંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે લાગી આગ: ગૂંગળામણથી માતા-પુત્રનું મોત, પરિવારમાં ઘેરો શોક
રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલ વર્ધમાન નગર શેરી નંબર-7માં ગત રાત્રિએ એક ભયાનક આગની ઘટના સર્જાઈ હતી. અહીં આવેલ મનમંદિર એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં મધરાતે અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ગૂંગળામણ અને દાઝી જવાથી 95 વર્ષીય વૃદ્ધા અને તેમના 62 વર્ષીય પુત્રનું કરુણ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી વિગતો મુજબ, બુધવારે રાત્રિના આશરે 11:30 વાગ્યાની આસપાસ મનમંદિર એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી અચાનક અગ્નિની જ્વાળાઓ બહાર નીકળતી જોઈ આસપાસના રહિશો અને રાહદારીઓ ફફડી ઉઠ્યા હતા. લોકો તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈ મુખ્ય ફાયર સ્ટેશન અને કોઠારીયા ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
મૃતકોની ઓળખ પ્રભાબેન ભગવાનજીભાઈ પુજારા (ઉં.વ. 95) અને નરેશભાઈ ભગવાનજીભાઈ પુજારા (ઉં.વ. 62) તરીકે થઈ છે. નરેશભાઈ બંગડી બજારમાં હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ વેચી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારમાં નરેશભાઈ, તેમના પત્ની, પુત્ર-પુત્રવધુ અને પૌત્રો સહિતના સભ્યો રહે છે. જોકે, ઘટના સમયે નરેશભાઈ અને તેમના માતા પ્રભાબેન જ ઘરે હતા જ્યારે અન્ય સભ્યો બહાર ગયા હોવાથી તેમનો બચાવ થયો હતો.
ફાયર વિભાગના જવાનોએ જ્યારે ફ્લેટમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રભાબેન અને નરેશભાઈ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર તબીબોએ બંનેને મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો.
પ્રાથમિક દ્રષ્ટિએ સ્થાનિકો અને ફાયર વિભાગ દ્વારા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આગ એસીમાં શોર્ટ સર્કિટ અથવા બ્લાસ્ટ થવાને કારણે લાગી હોઈ શકે છે. જોકે, આગનું ચોક્કસ કારણ જાણવા માટે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
