રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર જીવલેણ હુમલો કરનાર દર્દીના પરિચિત શખ્સ સામે FIR દાખલ: તબીબી આલમમાં ભારે રોષ
રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીના પરિચિત દ્વારા ફરજ પરના તબીબ પર હુમલો કરવાની શરમજનક ઘટના સામે આવી છે. બ્લડ જમા કરાવવાના કાગળ આપવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જયદીપ ચાવડા નામના શખસે ન્યુરો વોર્ડમાં ઘૂસી ડો. પાર્થ પંડ્યાને બેફામ માર માર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર હોસ્પિટલ કેમ્પસમાં તબીબો અને નિંર્સગ સ્ટાફમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે આ મમલે ફરિયાદ કરતા પોલીસે ડોક્ટરને માર મારતા શખસ સામે ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો મુજબ, સિવિલના ન્યુરો વિભાગમાં ફરજ બજાવતા 28 વર્ષીય ડો. પાર્થ પંડ્યા PMSSY (કોરોના બિલ્ડિંગ) બ્લોકના પાંચમા માળે આઈસીયુમાં ફરજ પર હતા. એક દર્દીને લોહીની જરૂરિયાત હોવાથી તબીબે રિપ્લેસમેન્ટમાં બ્લડની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આ સમયે દર્દીના પરિચિત જયદીપ ચાવડાએ ત્યાં આવી બ્લડ માટેની ચિઠ્ઠી માંગી હતી. ડોક્ટરે પ્રોટોકોલ મુજબ જણાવ્યું હતું કે, `ચિઠ્ઠી સગાને ન આપી શકાય, બ્લડ સ્ટાફ દ્વારા જ મંગાવવામાં આવે છે.’ આ સાંભળતા જ ઉશ્કેરાયેલા શખસે તબીબને “તને મારી નાખીશ” તેવી ધમકી આપી ત્યાંથી રવાના થયો હતો.
આ પણ વાંચો :આશ્ચર્ય! રાજકોટમાં એક વર્ષમાં 89300 લોકો પડ્યા બીમાર, 2025ના છેલ્લા સપ્તાહમાં સાવ ઘટી ગયાનો આરોગ્ય શાખાનો દાવો
ધમકી આપ્યાના એકાદ કલાક બાદ જયદીપ ચાવડા ત્રીજા માળે ડો. પાર્થ પાસે પહોંચ્યો હતો. તેણે તબીબને ઉશ્કેરણીજનક શબ્દો કહ્યા કે, `બોલ તને ક્યાં મારું? હું તો જામીન પર છૂટી જઈશ, તારા જેવા કેટલાય ડોક્ટરો જોયા છે.’ આમ કહી તેણે ડોક્ટર પર હુમલો કરી બેફામ માર માર્યો હતો. આ હુમલામાં ડો. પાર્થને મૂંઢ ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
નવાઈની વાત એ છે કે જ્યારે હોબાળો થયો ત્યારે સિક્યોરિટી ગાર્ડસ ત્યાં પહોંચ્યા હતા પરંતુ તેમણે હુમલાખોરને પકડવાને બદલે તબીબને જ પકડી રાખ્યા હતા. જેના કારણે હુમલાખોર સરળતાથી ભાગી છૂટ્યો હતો. આ ઘટનાની જાણ થતા ન્યુરો વિભાગના વડા ડો. અંકુર પાંચાણી રાત્રિના જ હોસ્પિટલે દોડી ગયા હતા અને સબંધિત ઘટના અંગે સુપ્રિટેન્ડેન્ટ ડો. મોનાલી માકડિયાને પણ જાણ કરવામાં આવી હતી.
સોમવારે બપોરે વિવિધ વિભાગના વડાઓ અને મેડિકલ ઓફિસરોએ હોસ્પિટલ કેમ્પસમાં એકઠા થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હુમલાખોર સામે કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટના બાદ હવે સિવિલ સત્તાધીશો અને પોલીસ તંત્ર કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર છે. શું હોસ્પિટલ હવે `સેફ ઝોન’ બનશે કે પછી ફરી કોઈ ડોક્ટર આ રીતે હુમલાનો ભોગ બનશે?
દિવસ-રાત દર્દીઓની સેવા કરતાં તબીબો જ બન્યા અસુરક્ષિત!
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટના માત્ર એક હુમલો નથી, પરંતુ સરકારી હોસ્પિટલોમાં તબીબોની સુરક્ષા પર ઉભું થયેલું મોટું પ્રશ્નાર્થચિહ્ન છે. હુમલાખોર જયદીપ ચાવડાએ જાહેરમાં એવું કહ્યું કે “હું તો જામીન પર છૂટી જઈશ.” આ વાક્ય સાબિત કરે છે કે અસામાજિક તત્વોમાં કાયદાનો કોઈ ભય રહ્યો નથી. અગાઉ પણ આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહીના અભાવે હુમલાખોરોના હોસલા બુલંદ થયા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જે સિક્યોરિટી એજન્સીને લાખો રૂપિયા ચૂકવવામાં આવે છે, તેના જ ગાર્ડ્સ તબીબને બચાવવાને બદલે હુમલાખોરને ભગાડવામાં મદદરૂપ બન્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. ડોક્ટરોમાં એ વાતનો રોષ છે કે જો હોસ્પિટલની અંદર પણ તેઓ સુરક્ષિત નથી તો દર્દીઓની સારવાર કેવી રીતે કરવી ?
