જીવનસાથીની શોધ કરવી પડી ભારે! ઓનલાઇન ડાઉનલોડ કરેલી એપ્લિકેશન યુવકને 60 હજારમાં પડી
ઓનલાઇન એપ્લિકેશન મારફતે સંપર્કમાં આવેલી જીવતીએ લગ્નનો વિશ્વાસ આપીને 15 દિવસના સમયગાળામાં જ જુદા-જુદા બહાના બતાવી યુવક પાસેથી 60 હજાર રૂપિયા ખંખેરી લીધા બાદ પરત ન કરતાં વિશ્વાસઘાતનો ભોગ બનેલા યુવકે માલવિયાનગર પોલીસ મથકમાં સુરતની યુવત સામે ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગતો મુજબ, હાલ જૂનાગઢના બાટવા ગામે રહેતો અને પાંચ મહિના પેહલા રાજકોટ નાનામૌવા મેઇન રોડ ભાડાના મકાનમાં રહેતા મયુરસિંહ ભુપતભાઈ ચાવડા ઉં.39 વર્ષ નામના યુવકે સુરત રહેતી હેમાલી મગનભાઈ પટેલ નામની યુવતી સામે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2009માં તેના લગ્ન થયા બાદ થોડાક જ સમયમાં પત્નીનું અવસાન થવા પામેલ જે બાદ તે માતા પિતા સાથે રહે છે.યુવકે ફરી લગ્ન કરવા જીવનસાથી ડોટ કોમ નામની ઓનલાઇન એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરાવેલ હતું. ગત તારીખ 12-10-2024 ના તેઓએ આ એપ્લિકેશન મારફતે હેમાલી પટેલ નામની આઇડી પર રિક્વેસ્ટ મોકલી હતી. જે બાદ લગભગ અઠવાડિયા બાદ હેમાલી નામની યુવતીનો ફોન આવેલ અને વાતચીત દરમિયાન તેણીએ સાળંગપુર થી સુરત જવા માટ રૂપિયાની મદદ કરવાનું કહેતા યુવકે 2300 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા.

હેમાલીએ થોડાક દિવસોમાં આ રકમ પરત કરી હતી. ત્યારબાદ હેમાલીએ તેના પહેલા લગ્નમાં છૂટાછેડા થઈ ગયા હોય અને તેણીને એક પુત્રી હોય તેમજ અનાથ હોવાનું વાતો કરી હતી. શાતીર મગજ વાળી આ યુવતીએ યુવકને કોઈ શક ન જાય તે માટે પોતાનો આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડનો ફોટો તેમજ વિડીયો કોલમાં પણ વાત કરતી.વાતચીતમાં “આપણે થોડાક સમયમાં લગ્ન કરી લઇશું” તેવું કહી તારીખ 5/11/24 થી 19/11/24 સુધીમાં જુદા-જુદા બહાના બતાવી યુવક પાસેથી 60 હજાર જેટલી રકમ પડાવી લીધી હતી. પોલીસે ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.