ઉમિયા સેવા પ્રગતિ મંડળમાં નાણાંકીય ઉચાપત? સભ્યો પાસેથી નાણાં ઉઘરાવી લાખો રૂપિયાના હિસાબો ન અપાયાના આક્ષેપ
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા શ્રી ઉમિયા સેવા પ્રગતિ મંડળ ટ્રસ્ટ દ્વારા સભ્યો પાસેથી દર વર્ષે લેવાતા નિયત ચાર્જ, સભ્ય ફીના કોઈ હર હિસાબ અપાતો ન હોવાનું અને મંડળના જવાબદારો દ્વારા લાખો રૂપિયાની ઉચાપત કરી સભ્યો સાથે છેતરપિંડી વિશ્વાસઘાત આચર્યાના આક્ષેપો સાથે સંસ્થાના જ સભ્ય નિવૃત્ત પોલીસમેન કાંતિભાઈ છગનભાઈ મેરજાએ મુદ્દો ઉઠાવ્યો છે. લાખો રૂપિયાના હિસાબ, ગોલમાલ સંદર્ભે જવાબદાર હોદ્દેદાર સામે છેતરપિંડી, વિશ્વાસઘાત આચર્યાના આરોપ સાથે ગુનો નોંધવાની માગ કરીને ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં લેખિત અરજી આપતા સંબંધીતોમાં ભારે ચકચાર જાગી છે.
નાનામૌવા રોડ પર વાછરાદાદા મંદિર નજીક ગોલ રેસીડેન્સીમાં રહેતા નિવૃત્ત પોલીસ કર્મી કાંતિભાઈ છગનભાઈ મેરજા (કે.સી.મેરજા)એ જણાવ્યા મુજબ મંડળ દ્વારા સિનિયર સિટીઝન કલબ બનાવાઈ હતી. જેમા કડવા પાટીદાર સમાજના નિવૃત્ત સરકારી કર્મચારીઓ ઉપરાંત સમાજના સિનિયર સિટીઝન સભ્ય બની શકે. સભ્ય દીઠ વર્ષે 2000 રૂપિયા ફી લેવાની હતી. સિનિયર સિટીઝન્સ માટે વર્ષે નાના-મોટા 12 પ્રોગ્રામ આપવાના હતા. સંસ્થા દ્વારા ત્રણ વર્ષથી કાર્યરત કરાયેલી આ સિનિયર સિટિઝન્સ કલબમાં પ્રવાસ કે આવા નામે સભ્યો પાસેથી લાખો રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.
શરતો કે નકકી થયા મુજબ ત્રણ વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા કયારેય 12 કાર્યક્રમો કરાયા નથી. 2022માં દસ,2023માં આઠ અને 2024માં સાત કાર્યક્રમો જ યોજવામાં આવ્યા હતા. 2000 વાર્ષિક સભ્ય ફી ઉપરાંત જયારે સભ્યો માટે બહારગામની ટુર યોજવામાં આવે ત્યારે ટ્રાવેલીંગ, ફૂડ કે આવા અન્ય ખર્ચ મળીને માઠાદીઠ આટલો ખર્ચો થશે તેવા ખર્ચના આંકડા આપીને મોટી રકમો ઉઘરાવી લેવાતી હતી. પ્રવાસન સ્થળોએ જમવાની વ્યવસ્થા કોઈ ધાર્મિક સંસ્થાનોમાં કરી લેવાતી અથા કોઈ સ્પોન્સર્સ કે કોઈ વ્યક્તિઓ દ્વારા થતી હતી પણ ખર્ચો પ્રવાસમાં ગણી લેતા હતા.
ગુનો નોંધવાની માંગ સાથે પોલીસને કરેલી અરજીમાં કરાયેલા આક્ષેપો મુજબ વર્ષ 2022માં 277, વર્ષ 202૩માં 335 અને વર્ષ 2૦24માં 352 સિનિયર સિટીઝન સભ્યોની નોંધણી કરાઈ હતી. જેમાં બધા પાસેથી 2000 રૂપિયા ફી ઉપરાંત જયારે પ્રવાસ કાર્યક્રમો થાય તયારે અલગ રૂપિયા લેવાતા હતા. વર્ષ દરમિયાન શરત પ્રમાણે પૂરા કાર્યક્રમો થતા ન હતા. ત્રણ વર્ષ દરમિયાન સભ્યોના જે નાણા વસૂલ્યા, ઉપરાંત ડોનેશન મળ્યા કે આવી કોઇ રકમો આપી તેના કોઇ હિસાબ રજૂ અપાતા નથી.
આશરે આવી સિનિયર સિટીઝનની સાતેક લાખ રૂપિયાથી વધુની રકમ છે. ટ્રસ્ટનો હિસાબ રાખનાર તત્કાલીન મંત્રી (ખજાનચી) અને હાલના ઉપપ્રમુખ ઓ.વી. ભોરણીયા હિસાબ આપતા નથી. 2025/2026ના નવા બનેલા સભ્યોને આગળના ત્રણ વર્ષનાં હિસાબ કે બેલેન્સ વીશે કોઈ લેવા-દેવા નથી છતાં તેઓને તેઓને હિસાબ વાંચી સંભળાવેલા. ત્રણ વર્ષ દરમિયાન સભ્યોની વધેલી મોટી રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ સભ્યો સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરેલો હોવાથી તેમના વિરૂધ્ધ કાયદેસર ગુનો દાખલ કરવા માટે માગણી સાથે ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં અરજી કરાઈ છે. કડવા પાટીદાર સમાજના વસવાટ, વસ્તી ધરાવતા 11 તાલુકાઓના રાજકોટન યુનિવર્સિટી રોડ પર ઉમાસદન નામના બિલ્ડિંગમાં કાર્યરત ઉમિયા સેવા પ્રગતિ મંડળ ટ્રસ્ટમાં હોદ્દેદારોમાં વહિવટી ગરબડો હોવાના પણ આક્ષેપો નિવૃત્ત એ.એસ. આઈ. કે.સી.મેરજા દ્વારા કરાયા છે. ઉપરોકત તમામ બાબતો, આક્ષેપોમાં સત્ય શું છે તે તો સંસ્થાના હોદ્દેદારો, જવાબદારો તેમજ પોલીસ ફરિયાદ માટે અરજી કરનાર અરજદાર કાંતિભાઈ મેરજા જાણતા હશે પરંતુ હાલ સંસ્થાગત આ મુદ્દો સમાજના સબંધીતોમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
