અંતે હેવાનિયત સામે ગુજરાતની નિર્ભયા જિંદગીની જંગ હારી : આઠમાં દિવસે મોત, પાર્થિવદેહ વતન મોકલાયો
દિલ્હીના નિર્ભયા કેસ બાબતે આજે પણ સાંભળતા રૂવાડા ઊભા થઈ જાય છે ત્યારે ગુજરાતમાં પણ આવી એક ઘટના સામે આવી હતી જે દિલ્હીના નિર્ભયાકાંડની યાદ આપવી હતી. ભરૂચના ઝઘડીયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે બાદ બાળકીની વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ આ બાળકી જિંદગી સામે જંગ હારી ગઈ છે. ઝઘડિયામાં ઝારખંડનો એક પરિવાર મજૂરી કામ કરતો હતો. તેની બાળકી સાથે 16 ડિસેમ્બરે ઝારખંડના જ એક વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરી હેવાને બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખી દીધો હતો. આ બાળકીને વધુ સારવાર માટે વડોદરાની સયાજીરાવ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેને આઠ દિવસ બાદ સારવારમાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પોતાના વતન ઝારખંડ લઈ જવામાં આવ્યો છે.
શું છે સમગ્ર ઘટના ??
એક અઠવાડિયા અગાઉ ભરૂચના ઝઘડીયા જીઆઈડીસીથી 10 વર્ષની બાળકી સાથે અમાનવીય ઘટના બનતા તેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા બાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ૧૦ નિષ્ણાંત તબીબોની ટીમ સતત બાળકીની દેખરેખ રાખી રહી હતી. આ દરમિયાન વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓ તથા આગેવાનો બાળકીને જોવા માટે તથા પરિવારને વિવિધ રીતે મદદ કરવા માટે આગળ આવ્યા હતા.
બાળકીને બે કાર્ડિયાક અરેસ્ટ આવ્યા હતા
તે દરમિયાન સોમવારે બપોરે ૨ કલાકે બાળકીને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ૧૦ નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા તુરંત સારવાર કરાતા બાળકી થોડા સમય બાદ સ્ટેબલ થઈ ગઈ હતી. જેના ૩ કલાક બાદ એટલે કે સવા પાંચ વાગ્યાના અરસામાં ફરીથી બાળકીને બીજો હૃદય રોગનો હુમલો આવ્યો હતો. આખરે બાળકીને સાંજે સવા છ વાગ્યાના અરસામાં દમ તોડયો હતો. આ ઉપરાંત બાળકીને આખા શરીરમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું હતુ.
બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ ઝારખંડ લઈ જવાયો
મોડી રાતે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જયા પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જે બાદ બાળકીનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. બાળકીના મૃતદેહને લઈને પરિવાર ઝારખંડ ખાતે જવા માટે નીકળ્યા હતા. બાળકીના મોત બાદ પરિવારની હાલત અત્યંત દુઃખદ બની હતી. જેઓને હોસ્પિટલના તબીબો તથા નાયબ કલેક્ટર સહિતના પદાધિકારીઓએ સાંત્વના પાઠવી હતી. દરેક વ્યક્તિએ એક જ સૂર ઉચ્ચાર્યો હતો કે, દુષ્કર્મ કરનાર બળાત્કારીને ફાંસીની સજા ફટકારવી જોઈએ.