રાજકોટના જંગલેશ્વરમાં 800 મકાન તૂટવાનું ‘ફાઇનલ’: નોટિસ ફટકાર્યા બાદ હવે તંત્રએ દબાણકર્તાઓને કોર્ટમાં જવાનો રસ્તો પણ કર્યો બંધ
રાજકોટના સૌથી સંવેદનશીલ વિસ્તાર ગણાતાં જંગલેશ્વરમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે દબાણ ઉપર કલેક્ટર તંત્ર દ્વારા ધોંસ બોલાવવામાં આવી રહી છે. બે દિવસની અંદર જ એક હજારથી વધુ દબાણકારોને નોટિસ ફટકારી દેવામાં આવી છે ત્યારે 85021 ચોરસમીટરનો એક પ્લોટ કે જેમાં 800થી વધુ મકાન સહિતના દબાણ ઉભા થઈ ગયા હોય તેને નોટિસ આપ્યા બાદ હવે દબાણકર્તાઓ કોર્ટમાં જઈ આ કાર્યવાહી સામે મનાઈહુકમ ન મેળવી શકે તે માટે કલેક્ટર તંત્ર દ્વારા રાજકોટની કોર્ટમાં કેવીએટ અરજી દાખલ કરી તમામ `રસ્તા’ બંધ કરી દેવામાં આવતાં ટૂંક સમયમાં જ આ તમામ ગેરકાયદે મકાન સહિતના દબાણ ઉપર બુલડોઝર ફરી જવાનું ફાઈનલ થઈ ગયું છે.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે જંગલેશ્વર વિસ્તારમાં સરકારી ખરાબા સર્વે નં.256 પૈકી ટાઉન પ્લાનિંગ સ્કિમ નં.6, ફાઈનલ પ્લોટ નં.159ની કુલ જમીન કે જે 85021 ચોરસમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે તેના ઉપર 800 જેટલા લોકો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હોવાથી તમામને દબાણ કૂર કરવા નોટિસ આપવામાં આવી છે. જો કે અમુક લોકો સરકારી જમીન ઉપર દબાણ જાળવી રાખવા માટે કોર્ટની પ્રક્રિયાનો દુરુપયોગ કરી સરકાર વિરુદ્ધ લીટીગેશન દાખલ કરીને મનાઈ હુકમ મેળવવા માટે પ્રયાસ કરે તેવી શક્યતા રહેતી હોવાથી સરકાર તરફે રાજકોટ શહેરના (પૂર્વ) ઝોનના મામલતદાર એન.પી.અજમેરાએ કેવીએટર બનીને અરજી દાખલ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો :સોના-ચાંદીમાં આગ ઝરતી તેજી! આ વરસે સોનામાં 60,000 અને ચાંદીમાં 1.27 લાખ વધ્યા, હજુ પણ ભાવ વધારાની સંભાવના
આ અરજી દાખલ થઈ જતાં હવે ઉપરોક્ત પ્લોટમાં દબાણ કરનારા દબાણકર્તા મનાઈ હુકમ મેળવી શકશે નહીં. કલેક્ટર તંત્ર દ્વારા આગામી 29 ડિસેમ્બરે દબાણકર્તાઓને રૂબરૂ સાંભળવામાં આવશે પરંતુ મોટાભાગના દબાણ ગેરકાયદેસર રીતે જ થઈ ગયા હોવાથી તેનું તૂટવું નિશ્ચિત બની ગયું છે.
રાજકોટનું સૌથી મોટું ડિમોલિશન જંગલેશ્વરમાં થશે
એવી વિગત પણ જાણવા મળી હતી કે કલેક્ટર તંત્ર દ્વારા ટૂંક સમયમાં જ જંગલેશ્વર વિસ્તારમાં એક સાથે 800 મકાન તોડી પાડી શહેરનું સૌથી મોટું ડિમોલિશન કરશે. 29 ડિસેમ્બરે દબાણકારોને સાંભળી લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બુલડોઝરની ધાર સજાવી તંત્ર ત્રાટકશે. સંભવતઃ એક દિવસમાં આ ડિમોલિશન પૂર્ણ થઈ શકે તેમ ન હોવાથી તે બે કે ત્રણ દિવસ સુધી ચાલી શકે છે.
બીજી બાજુ જંગલેશ્વર સંવેદનશીલ વિસ્તાર હોવાને કારણે તંત્રએ પૂરતો બંદોબસ્ત પણ રાખવો પડશે.
