ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત : લક્ઝરી બસ ડમ્પરમાં ઘૂસી જતાં 6 લોકોના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના ભાવનગરના ત્રાપજ નજીક ભયાનક અકસ્માત થયો હતો જેમાં લક્ઝરી રોડની સાઇડમાં ઊભેલા ડમ્પરમાં ઘૂસી જતાં 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા તેમજ 20થી વધુ ઘાયલ થયા હતા. અકસ્માત થતાં ઘટનાસ્થળે લોકો ઉમટ્યા હતા તેમજ ઘટનાની જાણ પોલીસને થતાં બનાવસ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડીને વધુ તપાસ હાથ ધરી હતી .
મળતી વિગતો અનુસાર આ ઘટના ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર આજે વહેલી સવારે રોડની સાઇડમાં ઊભેલા ડમ્પર ટ્રકની પાછળ ખાનગી બસ અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 20 કરતાં વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે, ઈજાગ્રસ્તો પૈકી અમુકની હાલત પણ હજુ ગંભીર મનાઈ રહી છે. જેના કારણે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા જણાઈ રહી છે.

બસના પતરા કાપી મૃતદેહને બહાર કાઢ્યા
આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસની એક સાઈડનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બસના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાય છે. બીજી તરફ અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

મૃતકોના નામ
•ગોવિંદ કવાડ (ઉં.વ. 4)
•તમન્ના કવાડ (ઉં.વ. 7)
•જયશ્રી નકુમ (ઉં.વ. 38)
•ખુશીબેન બારૈયા (ઉં.વ. 8)
•ચતુરાબેન હડિયા (ઉં.વ. 45)
•છગનભાઇ (ઉં.વ. 45)

ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયાએ અકસ્માતની નોંધ લીધી
આ અકસ્માતની કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ નીમુબેન બાંભણિયા જાણ થતાં ભાવનગર સર.ટી હોસ્પિટલના સ્ટાફને ફટાફટ જાણ કરી હતી. ઈજાગ્રસ્ત લોકોને ઝડપી સારવાર માટે જે પણ કરવું પડે તે કરવાં સુચના આપી હતી. કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી તંત્રને સજાગ કરી અકસ્માત સ્થળ પર પહોંચવા અને બનતી તમામ મદદો કરવા સુચના આપી હતી.