વલસાડના કુંભઘાટ ઉપર ગોઝારો અકસ્માત: ટ્રક -ઈકોની ટક્કરમાં એક જ પરિવારના 7 સભ્યો કાળનો કોળિયો બન્યા
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા સ્થિત કુખ્યાત કુંભઘાટ પર શુક્રવારે સર્જાયેલા એક ગંભીર અકસ્માતમાં એક જ પરિવારના ૭ લોકો મોતને ભેટ્યા હતા. કપરાડા નાનાપોંઢા હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતી ટ્રક અને ઈકો કાર વચ્ચે થયેલી પ્રચંડ ટક્કરમાં આંબા જંગલ ગામના એક જ પરિવારના 7 સભ્યો કાળનો કોળિયો બની ગયા હતા. આ ગમખ્વાર દુર્ઘટના ઘાટના જોખમી વળાંક પર સર્જાઈ હતી, જેમાં ગાડીનો કચ્ચરઘાણ નીકળી જતાં તમામના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા જયારે બેની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બંને વાહનોની ટક્કરને કારણે કારનો એક બાજુનો ભાગ સંપૂર્ણપણે ચગદાઈ ગયો હતો. અંદર સવાર પરિવારના સભ્યો લોખંડના પતરા અને ટાયર વચ્ચે એવી રીતે ફસાયા હતા કે તેમને બહાર કાઢવા માટે સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
દુર્ઘટનાનો ભોગ બનેલો આ પરિવાર કપરાડા તાલુકાના આંબા જંગલ ગામનો હોવાનું ખુલ્યું છે. તેઓ પોતાની ઈકો કારમાં સવાર થઈને કોઈ સામાજિક કે અંગત કામકાજ અર્થે કપરાડાથી નાનાપોંઢા તરફ જઈ રહ્યા હતા, ત્યારે કુંભઘાટના જોખમી વળાંક પર સામેથી આવતી ટ્રકે કાળ બનીને તેમને અડફેટે લીધા હતા. આખા ગામમાં એકસાથે 7 લોકોના મોતના સમાચાર પહોંચતા જ આંબા જંગલ ગામમાં આક્રંદ મચી ગયો હતો. કપરાડા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ તેજ કરી છે.
