બોટાદના હડદડમાં ખેડૂતો વિફર્યા, પોલીસ પર પથ્થરમારોઃ જીપ ઉંધી વાળી દઈ તોડફોડ, સ્થિતિ કાબૂમાં લેવા ટીયરગેસના સેલ છોડાયા
બોટાદ જિલ્લાના હડદડમાં ખેડૂત મહાપંચાયતની મંજૂરીને લઈને પોલીસ અને ખેડૂતો ગ્રામજનો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. વિફરેલા ગ્રામજનોએ પોલીસના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. પોલીસ જીપને ઉંધી વાળી દઈ, તોડફોડ કરી હતી. પોલીસે ઉશ્કેરાયેલા ટોળાંને વિખેરવા ટીયર ગેસના સેલ છોડયા હતા. એક તબક્કે વિફરેલા ટોળાંથી બચવા પોલીસે ભાગવું પડયું હતું. પોલીસ પર હુમલો, વાહનમાં તોડફોડ,ફરજ રૂકાવટ સહિતની કલમો હેઠળ ટોળાં સામે ગુનો નોંધાયો છે. વાઈરલ વીડિયો આધારે પોલીસે કેટલાક શખસોને સકંજામાં લીધા હતા.

આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કપરડા દ્વારા બોટાદ યાર્ડમાં ખેડૂતોને જણસોના ભાવ, વજનમાં ઘાલમેલ સંદર્ભે અવાજ ઉઠાવ્યો હતો, વિરોધ વ્યક્ત કર્યો હતો. કરપડાની અટકાયત કરાઈ હતી. આપ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને યોજાઈ રહેલી ખેડૂત મહાપંચાયત ગઇકાલે બોટાદના હડદડમાં મળવાની હતી જેને પોલીસની મંજૂરી કોઈ કારણસર મળી ન હતી. ખેડૂતો એકત્રિત થતાં પોલીસ અધિકારીઓ, હથિયારધારી પોલીસ કાફલા સાથે પહોંચ્યા હતા જેને લઈને ભારે ઉશ્કેરાટ વ્યાપ્યો હતો. રસ્તા પર ગ્રામજનો, ખેડૂતો ઉતરી આવ્યા હતા. મકાનો પર પણ ટોળાં એકઠા થઈ ગયા હતા.

પોલીસની મોટી કુમક એકઠા થયેલા ખેડૂતો, ગ્રામજનો તરફ ધસી આવતા મામલો બિચક્યો હતો. શરૂઆતમાં પોલીસને પીછેહઠ કરાવવા હો-હા, દેકારો કર્યો હતો. પોલીસનો મોટો કાફલો આગળ ધપી રહ્યો હોવાથી વિફરેલા કેટલાક ઈસમોએ છત પરથી અને નીચે રસ્તા પરથી પોલીસ કાફલા સામે પથ્થરોના ઘા કરતાં પોલીસ જીવ બચાવવા પાછી વળી ગઈ હતી. ભારેલા અગ્નિ જેવી સ્થિતિ બની હતી. કોઈ ઈસમો તો રસ્તા પર ધોકા કે આવા મોટા દંડા જેવા સાધનો લઈને ઉતરી આવ્યા હતા. ઉશ્કેરાયેલા કેટલાક શખસોએ પોલીસની વાન (બોલેરો) જી.જે.33-જી.0921ને ઉંધી વાળી દીધી હતી. પથ્થરોના ઘા ઝીંકી તોડફોડ કરી હતી.
આ પણ વાંચો :રાજકોટ જિલ્લાના જસદણના વાળોદ ગામની શાળા સ્વચ્છતા માટે રાજ્યભરમાં પ્રથમ : મુખ્યમંત્રીના હસ્તે કરાયું સન્માન
સ્થિતિ વણસતા ટોળાંને કાબુમાં લેવા પોલીસે ટીયરગેસના સેલ છોડયા હતા. પોલીસ અને ગ્રામજનો વચ્ચેના ઘર્ષણના વીડિયો વાઈરલ થયા હતા. એવી પણ વાત છે કે ફાયરિંગ કરાયા હતા. જો કે આવી ફાયરિંગ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી જેથી ફાયરિંગ થયાની વાત અફવારૂપ કે ચર્ચા જ હોઈ શકે. બનાવના પગલે હડદડમાં પોલીસના ધાડેધાડા ઉતરી પડ્યા છે અને તોફાને ચડેલા ઈસમોને સકંજામાં લઈ અન્યોને વીડિયોના આધારે શોધવા કવાયત કરી છે.
બગોદરામાં આપના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી સહિતનાની અટકાયત
બગોદરામાં આપ દ્વારા ખેડૂત મહાપંચાયત, વિરોધાત્મક કાર્યક્રમમાં ખેડૂતો અને આપના નેતાઓ એકઠા થવાના હોવાથી પોલીસનો પણ મોટો કાફલો પહેલેથી જ ખડેપગે હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તથા સાગર રબારી અને અન્ય અગ્રણીઓની પોલીસે અટકાયત કરી હતી.
