રાજકોટમાં સતત બીજા દિવસે નકલી પોલીસ પકડાયો : યુવકે નામ પૂછતાં ફડાકા મારી મોબાઈલ અને 8 હજાર રોકડ લૂંટી લીધી
- એ-ડિવીઝન પોલીસે એક નકલી પોલીસને દબોચ્યા બાદ હવે તાલુકા પોલીસે બીજા નકલીને પકડયો :
- ચાર દિવસ પૂર્વે બાઈક પર જતાં યુવકને નાના મવા પાસે આંતરી પોતે પોલીસમાં હોવાનું કહી બાઇકના કાગળો માંગ્યા : યુવકે નામ પૂછતાં ફડાકા મારી મોબાઈલ અને 8 હજાર રોકડ લૂંટી લીધી
- યુવકને કણકોટ પાસે લઇ જઇ હમણાં પોલીસ વાન લાવું છું કહી ભાગી ગયો : ગુનો નોંધી સીસીટીવીની મદદથી પકડી પડ્યો
શહેરમાં ગઇકાલે નકલી પોલીસનો જાણે રાફળો ફાટ્યો હોય તેમ સતત બીજા દિવસે નકલી પોલીસ બની તોડ કરનારને અસલી પોલીસની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.પ્રથમ ઘટનામાં હોટલમાં એકાંત માણવા ગયેલા યુવાનને આંતરી તેની પાસેથી પોલીસના નામે ૪૦ હજારનો તોડ કરનારને એ ડિવિઝન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.ત્યારે બીજા બનાવમાં ગોંડલના કુંભારવાડ વિસ્તારમાં રહેતા અને મિસ્ત્રી કામ કરનાર યુવાનને નાના મવા રોડ પર એક શખસે આંતરી પોતે પોલીસમાં હોવાનું કહી બાઇકના કાગળો માંગ્યા હતાં. યુવાને તેને નામ પુછતા આ શખસે લાફા મારી દઇ કણકોટ પાસે લઇ જઇ યુવાન પાસેથી મોબાઇલ ફોન અને રોકડ ૮ હજાર પડાવી લીધા હતાં. જેથી યુવકને શંકા જતાં તાલુકા પોલીસ મથકમાં અરજી કરતાં અરજી આધારે પી.આઈ હરિપરા અને ટીમ દ્વારા નકલી પોલીસને પકડી પાડ્યો હતો. અને તેના વિરુદ્ધ ગુનો નોંધી આકરી સરભરા કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બનાવની માહિતી મુજબ ગોંડલ કુંભારાવાડા પારસ રેસિડેન્સી સામે દોલત ઓઈલ મીલ નજીક અક્ષર રેસીડેન્સી બ્લોક નં ૫મા રહેતાં સંદિપ કમાલુભાઈ બરૂન (ઉ.વ.૨૪) નામના યુવાનની ફરિયાદ પરથી ઘનશ્યામ ખીમજીભાઈ કટારીયા (ઉ.વ.ર૩-રહે કણકોટ ગામ, વર્ધમાન સોસાયટી, મુળ રામપર તા. જામકડોરણા) વિરૂધ્ધ તાલુકા પોલીસે રાજ્યસેવક પોલીસની ખોટી ઓળખ આપી મારકુટ કરી રોકડ અને મોબાઇલ બળજબરીથી લૂંટી લેવાનો ગુનો નોંધ્યો છે. યુવકે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,હાલ તેનું કામ રાજકોટમાં નહેરુનગર શેરી નં.૧૦ મારવાડી બિલ્ડિંગ સામે ગોપાલભાઈના મકાનમાં ચાલતું હોય જેથી તેમના મકાનમાં એક માસથી રહે છે. ગત તા. ૫/૧૨ ના રોજ યુવાન સવારના નવ વાગ્યા આસપાસ ઘરેથી તેની સાથે કામ કરતા મિત્ર સુનીલ સાથે બાઇક પર ભીમનગર સર્કલ પાસે એપાર્ટમેન્ટમાં મિસ્ત્રી કામ કરવા માટે જતો હતો.દરમિયાન નાના મવા રોડ પર મહાત્મા ગાંધી સ્કુલ પાસે પહોંચતા એક શખસે યુવાનના વાહનને ઓવરટેક કરી તેનું બાઇક ઉભુ રાખી યુવાનને રોકયો હતો.
બાદમાં તેણે યુવાન પાસેથી વાહનની આર.સી બુક અને ડ્રાઇવીંગ લાયસન્સ માંગતા યુવાને કોણ છો તેમ પુછતા તેણે પોતે પોલીસમાં હોવાનું કહ્યું હતું. બાદમાં યુવાને કહ્યું હતું કે હાલ કાગળ મારી પાસે નથી.જેથી આ શખસે યુવાનનો મોબાઇલ લઇ લીધો હતો અને પોતાાની સાથે પોલીસ સ્ટેશન આવવાનું કહ્યું હતું.યુવાને આ રાખસનું નામ પુછતા તેણે ઉશ્કેરાઇ યુવાનને લાકા મારવા લાગ્યો હતો.બાદમાં તેણે પાછળ આવવાનું કહેતા યુવાનનો મિત્ર સુનીલ અહીં ઉતરી ગયો હતો.યુવાન આ શખસની પાછળ જતા તેના વાહનમાં આગળ કે પાછળ નંબર પ્લેટ ન હોવાનું માલુમ પડયું હતું. બાદમાં આ શખસે રસ્તામાં વાહન રોકી યુવાન પાસેથી ૧૫ હજાર માંગતા યુવાને ઇનકાર કરતા તેણે કરી ઉશ્કેરાઇ તેને લાકા મારવા લાગ્યો હતો જેથી ડરી જઈ યુવાને તેને પોતાની પાસે રહેલા રોકડ ૮ હજાર આપી દીધા હતાં.ત્યાર બાદ નવા ૧૫૦ ફૂટ રીંગરોડ પર પરસાણા ચોક પાસે યુવાનનું બાઇક ઉભુ રખાવી તેને પોતાની સાથે બેસી જવા કહ્યું હતું અને યુવાનને કણકોટ ગામ પાસે લઇ ગયો હતો.
જ્યાં તેણે કહ્યું હતું કે, તું અહીં ઉભો રહે હું હમણા પોલીસની ગાડી લઇને આવું છું તેમ કહી તે અહીંથી જતા યુવાને અહીં પાનની દુકાન ત્યાં વાત કરતા પાનની ધંધાર્થીએ આ શખસ પોલીસમાં હોય તેવું લગાતું નથી તેમ કહ્યું હતું. થોડીવારમાં આ શખસ અહીં આવતા તેણે યુવાનને આ પાનના ધંધાર્થી સાથે વાત કરતા જોઈ જતા તેને શંકા જતા તે અહીંથી ભાગી ગયો હતો.બાદમાં યુવાને આ પાનના ધંધાર્થી પાસેથી ૨૦૦ ઉછીના લઇ રીક્ષા કરાવી પરસાણા યોક બાઇક લેવા ગયો હતો. યુવાને આ અંગે તાલુકા પોલીસ મથકમાં અરજી આપતા પીઆઈ ડી.એમ.હરીપરાની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી નકલી પોલીસ બનનાર આરોપી ઘનશ્યામ કટારીયાને ઝડપી લીધો હતો.
મેલડી માતાના દર્શને જવું હોઇ નવા કપડા લેવા નકલી પોલીસ બની લૂંટ કર્યાની આરોપીની કબૂલાત
રાજકોટ નકલી પોલીસ બની લૂંટ ચલાવનાર ઘનશ્યામ કટારીયા સામે અગાઉ અપહરણ, બળાત્કાર, દારૂ પીવા સહિતના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.જ્યારે તાલુકા પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે તેની ધરપકડ કર્યા બાદ તેની પૂછતાછ કરતાં કબૂલાત આપી હતી કે,તેને મેલડી માતાના મંદિરે દર્શને જવું હોઇ નવા કપડા લેવા માટે પૈસાની જરૂર હોવાની લૂંટ કરી હોવાનું રટણ કર્યું હતું.જેથી હાલ તેની રિમાન્ડ પર લીધો છે.