રાજકોટમાં બેફામ ફરી રહી છે બનાવટી ચલણી નોટ : ‘કારીગર’ને શોધવા પોલીસ તપાસ શરૂ
દેશના અર્થતંત્રને કોરી ખાવા માટે નકલી નોટ જવાબદાર છે. આ વાત સ્થાનિક સ્તરથી લઈ કેન્દ્રીય સ્તર સુધી કહેવાઈ ચૂકી છે આમ છતાં આ નોટ હજુ પણ બેફામપણે ફરી રહી હોય તેને અટકાવવા માટે સચોટ કોઈ જ તંત્ર નથી. રાજકોટમાં પણ નકલી નોટ બેફામ ફરી રહી હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું છે. એકમાત્ર એચડીએફસી બેન્કની અલગ-અલગ બ્રાન્ચમાં સાત મહિનાની અંદર 590 નકલી નોટ ધાબડી દેવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતાં જ `કારીગર’ને શોધવા તજવીજ શરૂ કરાઈ છે.
આ અંગે એચડીએફસી બેન્ક-ભક્તિનગર શાખામાં આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતાં દેવાંગભાઈ ચિમનલાલ મોટા (ઉ.વ.53)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ઑગસ્ટ-2024થી માર્ચ-2025 સુધીના સાત મહિનાની અંદર શહેરની એચડીએફસી બેન્કની અલગ-અલગ શાખામાં 500ના દરની 230, 200ના દરની 196, 100ના દરની 130 અને 50ના દરની 30 બનાવટી નોટ કોઈ જમા કરાવી ગયું છે. આ ઉપરાંત દસના દરની ત્રણ નકલી નોટ પણ મળી આવી છે. આ અંગેની ફરિયાદ નોંધાતાં એસઓજીએ તપાસ શરૂ કરી હતી.
આધુનિક મશીન હોવા છતાં નકલી નોટ આવી જવી ચિંતાજનક
અત્યારે નકલી નોટ પકડી પાડવા માટે દરેક બેન્કે આધુનિક મશીન વસાવી લીધા છે અને તેના મારફતે નકલી નોટ પકડવામાં આવી રહી છે આમ છતાં સાત મહિનાની અંદર આટલા મોટા પ્રમાણમાં નકલી નોટ ઘૂસી જવી ખરેખર ચિંતાજનક વાત છે. બીજી બાજુ પૈસા જમા કરાવવા આવનાર વ્યક્તિની હાજરીમાં જ નકલી નોટ મશીન મારફતે પકડાઈ જાય તો તેને ત્યારે જ પૂછી શકાય છે પરંતુ હવે સાત મહિના દરમિયાન આટલી નોટ ઘૂસી ગઈ છે ત્યારે તે જમા કોણ કરાવી ગયું તે શોધવી ઘાસના ઢગલામાંથી સોય શોધવા જેવું કપરું કામ બની રહેશે.