દવાના નામે ડ્રગ બનાવતી ફેક્ટરી પકડાઇ : ફાર્મા કંપનીના નામે અલ્ટ્રાઝોલમ ડ્રગનું થતું હતું ઉત્પાદ, 3 શખ્સોની રો-મટિરિયલ્સ સાથે ધરપકડ
ગુજરાત ATSની ટીમને ડ્રગ બનાવતી વધુ એક ફેક્ટરી પકડવામાં સફળતા મળી છે. રાજસ્થાનના ભીવાડી જિલ્લાના ટપુકરા તાલુકાના ભીવાડી શહેર ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં દવાના નામે ડ્રગ બનાવતી ફેક્ટરી રાજસ્થાન પોલીસ સાથે મળી સંયુક્ત ઓપરેશન સાથે પકડી પાડી છે. ડ્રગ બનાવમાં સંડોવાયેલી ત્રિપુટીની અલ્ટ્રાઝોલમ નામના માદક પદાર્થ બનાવવામાં વપરાતા જરૂરી રો-મટિરિયલ્સ સાથે ધરપકડ કરી છે.

ગુજરાત ATSને સ્થાનિકસ્તરે માહિતી મળી હતી કે રાજસ્થાનના ભવાડી શહેરમાં ડ્રગ બનાવતી ફેક્ટરી કાર્યરત છે. ખરાઈ કરાવાઈ હતી. ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયના વડપણ હેઠળ જયપુર રાજસ્થાન એસઓજીની ટીમ તેમજ ભીવાડી પોલીસની ટીમને સાથે રાખીને સંયુક્ત રીતે દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પરથી અલ્ટ્રાઝોલમ માદક પદાર્થ બનાવવા માટે વપરાતું સાઈકોટ્રોપીક સબસ્ટંટનો22 કિલો જથ્થો મળી આવ્યો હતો. 22 કિલોમાં 5 કિલો અલ્ટ્રાઝોલમ તથા 17 કિલો જેટલું પ્રાઝેયામ અને ટેમા ઝેયમ નામના દૃવ્યનું મિશ્રણ હતું. ભીવાડીના રીકો ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં એપીએલ ફાર્મા કંપનીના નામે ડ્રગ બનાવાતું હતું.
ઉત્તરપ્રદેશના આગ્રામાં આવાસ વિકાસ કોલોની સેક્ટર-12 એન્થેલા એપાર્ટમેન્ટમાં રહેતા અંશુલ અનિલકુમાર શાસ્ત્રી (ઉ.વ.40), રાજસ્થાનના ટપુકરામાં મેહાન રેસી. ફલેટ નં.16/એમાં રહેતા અખિલેશ પારસનાથ મોર્ય તેમજ સાથે રહેતા ક્રિષ્નાકુમાર સૈઈ યાદવ (ઉ.વ.33)ની ધરપકડ કરી હતી.

તપાસમાં ખૂલ્યા મુજબ પકડાયેલી ત્રિપુટી પૈકી અંશુલ અંશ ટ્રેડિંગ નામની કંપની ચલાવે છે. તે ગેરકાયદે માદક પદાર્થ અલ્ટ્રાઝોલમ બનાવવામાટે રો-મટિરિયલ્સ ખરીદી લાવતો હતો. ભાગીદાર અખિલેશ સાથે મળી અલ્ટ્રાઝોલમ બનાવવાની પ્રોસેસ જાણતા ક્રિષ્નાકુમાર સાથે ત્રણેય એપીએલ ફાર્મામાં આ માદક પદાર્થ બનાવતા હતા. ઉત્પાદન સની યાદવ નામના શખસને વેચતા હતા.

માદક પદાર્થ વધુ પડતા નશો કરવામાં આ ડ્રગ લેવાથી દિમાગ સિથિલ જેવું બની જતું હોય છે. આરોપીઓ આ ડ્રગ ક્યા, કોને સપ્લાય કરતા હતા, નાર્કોટિક્સ ડ્રગ ક્નટ્રોલમાં અન્ય કોણ કોણ સામેલ છે સહિતના મુદ્દા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

ગુજરાત ATS ટીમે ગત તા.8ના રોજ પણ રાજસ્થાનના જોધપુર જિલ્લાના સોઈન્દ્રા ખાતેથી મેફેડ્રોન ડ્રગ બનાવતી ફેક્ટરી પકડી પાડી 40 કિલો મેફેડ્રોન અને રો-મટિરિયલ્સ કબજે કર્યું હતું. 20 દિવસ બાદ આ બીજું ઓપરેશન રાજસ્થાનમાં પાર પડ્યું છે. કાર્યવાહીમાં ડીવાયએસપી ઉપાધ્યાય સાથે પીઆઈ પી.બી. દેસાઈ, વી.એન. વાઘેલા, પીએસઆઈ આર.આર. ગરચર, ડી.વી. રાઠોડ, બી.બી. પરમાર, કે.બી. સોલંકી, મયુરસિંહ સોલંકી, વી.કે. ઝાલા તથા સ્ટાફ જોડાયો હતો.
