શિયાળામાં મન ભરીને કસરત કરજો! RMCના 4 જીમમાં આધુનિક સાધન મુકાશે,જાણો કયા-કયા સાધન વસાવશે મનપા
શિયાળાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે આ ઋતુમાં લોકો પોતાની ફિટનેસ ઉપર ખૂબ જ ધ્યાન કેન્દ્રીત કરતા હોય છે. લોકો હવે યોગ, વોકિંગ ઉપરાંત જીમમાં વધુ સમય પસાર કરવાનું પસંદ કરતા હોય દિવસેને દિવસે શહેરમાં જીમની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ સામાન્ય લોકોને પણ પરવડે તેવા દરે મહાપાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારમાં ચાર જીમનું સંચાલન કરવામાં આવી રહ્યું હોય ત્યાં 20 લાખથી વધુના ખર્ચે પ્રાઈવેટ જીમમાં હોય તેવા સાધનો વસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેની મુદ્દત 13 ઑક્ટોબરે પૂર્ણ થશે.

મહાપાલિકા દ્વારા અત્યારે રેસકોર્સ ઉપરાંત શેઠ હાઈસ્કૂલ, નાનામવા મલ્ટી એક્ટિવિટી સેન્ટર કે જ્યાં માત્ર મહિલાઓ માટેનું જીમ છે તે અને વોર્ડ નં.15ના હૈદરી ચોકમાં જીમનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. અહીં 2022માં નવા સાધનો વસાવવામાં આવ્યા હતા પરંતુ કસરત કરવા આવનાર લોકો દ્વારા સાધનને કાટ લાગી જવા ઉપરાંત કસરત માટે અત્યંત જરૂરી એવા સાધનની અછત હોવાની ફરિયાદ કરવામાં આવી રહી હોય તંત્ર દ્વારા ફરિયાદને ધ્યાન લઈ જરૂરિયાત પ્રમાણેના તમામ અને પ્રાઈવેટ જીમમાં હોય તેવા સાધનો વસાવવા માટે નિર્ણય લઈ ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ સાધન મુકાઈ ગયા બાદ મહાપાલિકાના જીમમાં અન્ય જીમની તુલનાએ ભીડ જોવા મળે તો નવાઈ પામવા જેવું રહેશે નહીં.
કયા-કયા સાધન મુકાશે
- રોમન ચેર
- ઓલિમ્પિક બાર્બેલ
- લેટ-પુલ ડાઉન મશીન
- સ્મિથ મશીન
- કોમ્બો લેગ એક્સ્ટેશન્શન એન્ડ લેગ કર્લ
- પાર્ચેર કર્લ મશીન
- 17.5 કિલો, 20 કિલો, 22.5 કિલો ડમ્બેલની જોડી
- ક્રોસ ટ્રેનર
- ટ્રેડ મીલ
- વેઈટ પ્લેટસ સ્ટેન્ડ
- HIP અબ્ડ્યુક્શન મશીન
- કેબલ ક્રોસ ઓવર
- મલ્ટી સ્ટેશન
- પુલ ઓવર મશીન
- મસાજ ચેર
- સુપર ઓલિમ્પિક બેન્ચ
- ટી-બાર
- રિસ્ટ કર્લ
- ડમ્બેલ રેક
- સ્ટેપમીલ
- એરોબિક સ્ટેપર
- ઓલિમ્પિક ટ્રીસ બાર
- સોલિડ લેટ બાર
ક્રિકેટ પીચ પર ઘાસ કાપવાનું મશીન સહિતની પણ ખરીદી થશે
મહાપાલિકા દ્વારા આગામી દિવસોમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પરની પીચ ઉપરાંત ગ્રાઉન્ડનું ઘાસ કાપવાનું મશીન, ફાયર સેફ્ટી રિંગ, ડિજીટલ ક્લોક સહિતની ખરીદી કરવા માટેની પણ ખરીદી કરવામાં આવનાર હોય તેનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
