આજથી પરીક્ષા પર્વનો પ્રારંભ: રાજ્યમાં ૧૪.૨૮ લાખ પરીક્ષાર્થીઓની કસોટી, કન્ટ્રોલરૂમ રાઉન્ડ ધ કલોક ધમધમશે
આજથી પરીક્ષા પર્વ શરૂ થઈ ગયું છે, આજે સવારે ધોરણ 10 માં પ્રથમ પેપર ગુજરાતી, જ્યારે સામાન્ય પ્રવાહમાં પ્રથમ પેપર સહકાર પંચાયત અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવાશે. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. પરીક્ષા અગાઉ જિલ્લા શિક્ષણ અધિકારી અને તેમની ટીમ દ્વારા તમામ 10 ઝોનની મુલાકાત કરી સમીક્ષા કરવામાં આવી હતી.
આજે પ્રથમ દિવસે કડવીબાઈ વિરાણી સ્કૂલ ખાતે કલેકટર પ્રભવ જોશી, મોદી સ્કૂલ ખાતે પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા સહિત અધિકારીઓ અલગ અલગ કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને મોઢું મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજકોટના ધો.10 અને ધો. 12ના 76, 312 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્રના 308 બિલ્ડિંગ CCTVથી સજ્જ કરવામાં આવ્યા છે. સ્ટ્રોંગ રૂમમાંથી પ્રશ્નપત્ર પરીક્ષાના એક કલાક પહેલા જે તે સેન્ટરમાં પહોંચાડવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને નિર્ધારીત સમય કરતા 30 મિનિટ અગાઉ કેન્દ્ર પર એન્ટ્રી આપવામાં આવી હતી. ગઈકાલે પરીક્ષા સેન્ટર પર બેઠક વ્યવસ્થા જોવા માટેની સુવિધા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
ગુજરાતમાંથી 14.30 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપશે જેમાં સમગ્ર રાજ્યમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા 989 કેન્દ્ર ઉપર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 520 તેમજ વિજ્ઞાન પ્રવાહ માટે 152 કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવનાર છે. ધોરણ 10 માં ગુજરાતમાંથી કુલ 8,92,882 પરીક્ષા આપશે આ ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 4,23,909 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ગુજરાત બોર્ડ દ્વારા સ્ટેટ કંટ્રોલરૂમ પરીક્ષાના બે દિવસ અગાઉથી કાર્યરત કરાયો છે જે 24 કલાક સેવા આપશે. પ્રશ્નપત્ર 9:00 વાગે સેન્ટર પર મોકલી દેવામાં આવ્યા હતા જ્યારે સીલ બંધ કવર પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલા જ ખોલવામાં આવ્યા હતા.
દરેક સેન્ટરોમાં ઓફલાઈન સીસીટીવી રેકોર્ડિંગ થશે
આ વખતે બોર્ડની પરીક્ષામાં કોઈપણ પ્રકારની કેવી રીતે ન થાય તે માટે દરેક કેન્દ્રો પર લગાવાયેલા સીસીટીવી કેમેરા ઓફલાઈન રેકોર્ડિંગ કરશે. દરેક સેન્ટરમાંથી વાઇફાઇ કે ઇન્ટરનેટ સાથે કનેક્શન દૂર કરી દેવામાં આવ્યું છે માત્ર સીસીટીવી દ્વારા પરીક્ષા પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરવામાં આવશે તેવી તમામ ઝોનલને જિલ્લા શિક્ષણ અધિકારીએ સુચના આપી દીધી છે.
ઉપરોક્ત તસવીરમાં પરીક્ષા ના આગલા દિવસે બેઠક વ્યવસ્થા જોવા માટે દરેક સેન્ટરોમાં વિદ્યાર્થીઓ ઉમટ્યા હતા.. વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે પોતાની સીટ નંબર અને ક્લાસરૂમ સહિતની વ્યવસ્થા જોઈ હતી…