ભાજપનો દરેક કાર્યકર્તા મારું ઘરેણું! દિગ્ગજ નેતાઓ,રાજકોટના લોકોના, ઉદ્યોગોના, ધરોહરના ભરપેટ વખાણ કરી ફુલડે વધાવતાં પ્રદેશ પ્રમુખ
પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પહેલીવાર રાજકોટ આવેલા જગદીશ વિશ્વકર્માનું એરપોર્ટથી લઈ રેસકોર્સ સુધી ‘ગ્રાન્ડ વેલકમ’ કરવામાં આવ્યું હતું. આ પછી રેસકોર્સ ખાતે યોજાયેલી સભાને સંબોધન કરીને જગદીશ વિશ્વકર્માએ રાજકોટના લોકોના, ઉદ્યોગોના, ધરોહરના, રાજકોટે આપેલા દિગ્ગજ નેતાઓના ભરપેટ વખાણ કરી ફુલડે વધાવ્યા હતા સાથે સાથે ઉપસ્થિત હજારો કાર્યકરોને જોમ ચડી જાય તે પ્રકારે પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે ભાજપનો દરેક કાર્યકર્તા મારી અંતિમ ક્ષણ સુધી મારું ઘરેણું, મારું અભિમાન રહેશે.

સભાનું સંબોધન શરૂ કરતાં પહેલાં જ જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે રાજકોટ કહે એમ કરવું જ પડે અને રાજકોટે તો આજે વટ પાડી દીધો છે. આ સાંભળી ઉપસ્થિત કાર્યકરોએ તાળીઓથી પ્રદેશ પ્રમુખને વધાવ્યા હતા. સંબોધનને આગળ વધારતા પ્રદેશ પ્રમુખે કહ્યું કે આજે ડાયસ ઉપર મારા પહેલાંના ત્રણ પ્રદેશ પ્રમુખ બેઠા છે જેમાં વજુભાઈ વાળા, પરસોત્તમભાઈ રૂપાલા અને આર.સી.ફળદુ સામેલ છે તેમની ઉપસ્થિતિમાં પ્રદેશ પ્રમુખ તરીકે સભા સંબોધવી મારા માટે ગૌરવની વાત છે.
આ પણ વાંચો :પ્રધાનમંડળના વિસ્તરણનું કાઉન્ટડાઉન શરૂ: મહાત્મા મંદિરમાં 17 ઓક્ટોબરે યોજાશે શપથવિધિ સમારોહ, જાણો કોણ પડતું મુકાઇ શકે-કોની થઈ શકે એન્ટ્રી?

રાજકોટના વખાણ કરતાં જગદીશ વિશ્વકર્માએ ઉમેર્યું કે અગાઉ એવો ટ્રેન્ડ હતો કે ઈટાલીમાં કોઈ પ્રોડક્ટ લોન્ચ થાય પછી તે ભારત સહિત આખી દુનિયામાં પહોંચતી હતી પરંતુ હવે રાજકોટમાં ઉત્પાદિત થયેલી પ્રોડક્ટ આખા દેશમાં પહોંચી રહી છે. રાજકોટમાં બનેલું ડિઝલ એન્જીન હોય, ઓટોમોબાઈલના પાર્ટસ હોય કે ડિફેન્સ મશીનરીના પાર્ટસ હોય આજે બધું જ રાજકોટમાં બની રહ્યું છે. રાજકોટ ઔદ્યોગિક ક્ષેત્રે તો આગળ વધી જ રહ્યું છે સાથે સાથે આ શહેરે અનેક દિગ્ગજ નેતાઓ જેમાં ચીમનભાઈ શુક્લ, સૂર્યકાંતભાઈ આચાર્ય, અરવિંદભાઈ મણિયાર સહિતના નેતાઓ પણ આપ્યા છે જેનું આ શહેરે ગૌરવ લેવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ રાજકોટની બેઠક ઉપરથી જ વિજયી બન્યા બાદ વડાપ્રધાનના પદ સુધી પહોંચ્યાનો ઉલ્લેખ તેમણે કર્યો હતો.
આ પણ વાંચો :હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ માન્ય રહેશે નહીં! સરકારે લીધો મોટો નિર્ણય,આ 2 જ વસ્તુઓ રેશનકાર્ડથી મળશે

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને યાદ કરીને તેમણે કહ્યું કે વિજયભાઈએ કર્ણાવતી ક્લબના પ્રમુખની જવાબદારી સોંપતી વખતે મને કહ્યું હતું કે આ જવાબદારી પ્રદેશ પ્રમુખ કરતા પણ વધુ મહત્ત્વની છે.ભાજપના હજારો કાર્યકરોએ એરપોર્ટથી લઈ સ્થળ સુધી જે પ્રકારે કાર રેલી અને બાઈક રેલીથી મને આવકાર્યો તે જોઈને મારી છાતી ગજ ગજ ફૂલી ગઈ છે.

