રિટર્નમાં ભલે લાખોનાં વ્યવહારો છુપાવ્યા, બેંકોએ ખોલી પોલ: ઇન્કમટેક્સએ માંગ્યો હિસાબ
વર્ષ 2023-24નાં રિટર્નમાં હાઇવેલ્યુએશન ટ્રાન્જેક્શન જેમને નથી બતાવ્યાં એ શોધવા આઈ.ટી.એ બેંક,શેર અને મ્યુચ્યુઅલ ફંડની કંપનીઓ પાસેથી માહિતીઓ મંગાવી
કરચોરને શોધવા આવકવેરાએ હવે અલગ અલગ ટેક્નિક અપનાવી છે. વર્ષ 2023-2024માં જેમને રિટર્ન ફાઇલ કર્યું છે પણ હાઈવેલ્યુએશન ટ્રાન્જેક્શન નથી બતાવ્યા તેવા લોકોને શોધવા માટે ઇન્કમટેક્સએ બેંકો,પોસ્ટ ઓફીસ, સબ રજીસ્ટર કચેરી પાસેથી વિગતો શોધવાનું શરૂ કર્યું છે.
ઇન્કમટેક્સ વિભાગે મોટા નાણાકીય વ્યવહારો કરનાર અનેક લોકોને શોધીને નોટિસ આપવાનો શરૂ કર્યું છે આ ઉપરાંત બેન્ક સહિત સંસ્થાઓને 31 મે સુધીમાં નાણાકીય વર્ષ દરમિયાન નોંધાયેલા રેકોર્ડ અથવા ઉચ્ચ નાણાકીય વ્યવહારો વિશેની માહિતી આપવા માટે તાકીદ કરી છે.
બેંકો દ્વારા સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ ટ્રાન્જેક્શન 61 એ હેઠળ રિટર્નમાં લાખોના ટ્રાન્જેક્શન દર્શાવવાના હોય છે જેનું નિરીક્ષણ કરીને આવકવેરા વિભાગ માહિતી મેળવી જે તે વ્યક્તિના નાણાકીય વ્યવહારોને ટ્રેક કરે છે અને ત્યારબાદ નોટિસ ફટકારે છે.
જેમાં બચત ખાતામાં દસ લાખથી વધુની રકમ ડિપોઝિટ થઈ હોય, એક વરસમાં ક્રેડિટ કાર્ડ પેટે 10 લાખ જમા કરાવ્યાં હોય કે 30 લાખથી વધુની મિલકત ખરીદ કરી હોય આ બધી જ વિગતો રિટર્નમાં ન દર્શાવી હોય, આ ઉપરાંત શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં 10 લાખ, ક્રેડિટ કાર્ડની બિલની ચુકવણી 10 લાખ વગેરે કિસ્સાઓમાં આવકવેરાએ 143 હેઠળ નોટિસ આપવાનું શરૂ કર્યું છે.