ભાજપના નવા પ્રદેશ પ્રમુખની વરણીમાં ફરી વિલંબ
સી.આર.પાટિલ જાન્યુઆરી સુધી યથાવત રહે તેવી સંભાવના
૫૪ હજાર બુથ કમિટી, ૧૪૩ મંડલ અને ૩૩ જિલ્લા કમિટીની રચના માટે કવાયત
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે તાજેતરમાં જ નવા પ્રદેશ પ્રમુખ અંગે સંકેતો આપ્યા હતા અને એવું માનવામાં આવતું હતું કે નવા પ્રમુખની નિમણુંક વહેલી તકે થઇ જશે પરંતુ હવે મળતા અહેવાલો પ્રમાણે નવા પ્રમુખની જાહેરાત જાન્યુઆરીમાં થશે. પક્ષના સુત્રોના જણાવ્યા અનુસાર, ડીસેમ્બરમાં પંચાયતોની ચૂંટણી યોજાવાની છે અને તે પૂર્વે ભાજપમાં સદસ્યતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યુ છે.
આ સુત્રો અનુસાર, હાલમાં ભાજપ સમગ્ર રાજ્યમાં ૫૪ હજાર જેટલી બુથ કમિટીની રચનાની કવાયત કરી રહ્યો છે. આ બુથ કમિટીની રચના થઇ ગયા બાદ ૧૪૩ મંડલ અને ૩૩ જિલ્લા કમિટી રચવામાં આવશે. આ માટેનું શેડ્યુલ ટૂંક સમયમાં બહાર પાડશે. પક્ષના બંધારણ અનુસાર, ૭૦ ટકા જેટલી કમિટીની રચના થઇ જાય તે પછી જ પ્રદેશ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ભાજપ દ્વારા સપ્ટેમ્બરમાં સભ્યપદ નોંધણી શરૂ કરવામાં આવી હતી અને સમગ્ર રાજ્યમાંથી ૨ કરોડ સભ્યો બનાવવાનો લક્ષયાંક રાખવામાં આવ્યો હતો. જો કે, માત્ર ૬૦ ટકા લક્ષ્યાંક હાંસલ થઇ શક્યો છે. ભાજપમાં અત્યાર સુધીમાં કુલ ૧.૨ કરોડ સભ્યો જ નોંધાયા છે. આ પહેલા જયારે સભ્ય પદ નોંધણી થઇ ત્યારે ૧.૧૫ કરોડ સસ્ભ્યો નોંધાયા હતા.
ભાજપ સામે હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મોટો પડકાર છે. રાજ્યનું ચૂંટણી પંચ ગમે ત્યારે આ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડી શકે છે. રાજ્યમાં ૭૮ નગરપાલિકા અને જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. અને આ ચૂંટણી ભાજપ માટે પડકારરૂપ બની શકે છે.